આણંદ : પેટલાદ તાલુકાના ભાટીયેલ ગામે ઘરે એકલા રહેતા વિધવાના ઘરમાં અગાસીના રસ્તેથી ઘુસેલા તસ્કરોએ સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.90 લાખની મત્તા ચોરી કરી રસોડાના રસ્તેથી ભાગી ગયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાટીયેલ ગામે રહેતા રીનાબહેન વસંતભાઈ પટેલનો દિકરો હર્ષ છેલ્લા કેટલાક સમયથી કેનેડા રહે છે. જ્યારે તેમના પતિનું બે મહિના પહેલા અવસાન થયું હતું. તેમના જેઠ અને સસરા વડોદરા ખાતે રહેતાં હોવાથી ભાટીયેલ ગામે રીનાબહેન એકલા જ રહેતા હતાં અને તેમના ઘરે કામ કરવા મનિષાબહેન સોલંકી આવતા જતાં રહેતાં હતાં. દરમિયાનમાં 4થી ઓગષ્ટની રાત્રે રીનાબહેન જમી પરવારી ઘરમાં સુતા હતાં. જ્યારે મનિષાબહેન બહાર ઓસરીમાં સુતાં હતાં. આ સમયે અજાણ્યા શખસો ઘરમાં ઘુસી આવ્યા હતા અને રીનાબહેનના ઘરમાં ખાંખાખોળા કરતાં હતાં.
આથી, અવાજ આવતાં રીનાબહેન જાગી ગયાં હતાં. આ સમયે તેમણે રૂમમાં ત્રણ શખસને જોતાં તેઓ ડરી ગયાં હતાં. બીજી તરફ તસ્કર પણ સાવધાન થઇ જતાં ત્રણ માનો એક શખસ રીનાબહેન પાસે પહોંચી ચપ્પુ બતાવી ચૂપ રહેવા જણાવ્યું હતું. આ દરમિયાન બે તસ્કરે ઘરમાં ફેંદાફેંદી શરૂ કરી દીધી હતી. થોડીવાર પછી ત્રણેય રસોડાના દરવાજાથી ભાગી ગયાં હતાં. આથી, તુરંત મનીષાબહેનને જગાડ્યાં હતાં. ઘરમાં તપાસ કરતાં સોના ચાંદીના દાગીના રૂ.1.30 લાખ અને રોકડા રૂ.60 હજાર મળી કુલ રૂ.1.90 લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું.