સુરત: રિંગ રોડ (ring road) પર જૂની સબજેલ (sub jail)વાળી જમીન ઉપર સુરત મહાનગરપાલિકા (SMC)નું નવું વહીવટી ભવન (new Administrative building)નું સપનું હવે આખરે સાકાર થવા જઈ રહ્યું છે.
વર્ષ-2015માં ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલ (anandi patel)ના હસ્તે સબજેલવાળી જગ્યા પર મનપાના નવા વહીવટી ભવનનું ભૂમિપૂજન કરાયા બાદ આ પ્રોજેક્ટ (project) જાણે અભરાઈ પર ચઢી ગયો હતો. અને ત્રણ ત્રણ મુખ્યમંત્રી બદલાઇ ગયા, પરંતુ હજુ સુધી આ પ્રોજેક્ટની એક ઇંટ પણ મૂકી શકાઇ નથી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન જોયા બાદ અમુક સુધારાવધારા સૂચવ્યા બાદ હવે સબજેલવાળી જગ્યા પર જ આ પ્રોજેક્ટ સાકાર કરવાનું અને મનપાના નવા વહીવટી ભવનમાં અન્ય સરકારી વિભોગની ઓફિસોને પણ સમાવી લેવાનું ફાઇનલ થઇ ચૂક્યું હોવાથી આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર લઈ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ છે.
ગુરુવારે મનપા કમિશનર બંછાનિધિ પાની, ડી.ડી.ઓ., કલેક્ટર વચ્ચે સંકલન મીટિંગ યોજાઈ હતી અને આ પ્રોજેક્ટની થિમ, બિલ્ડિંગની ઊંચાઈ, કઈ ઓફિસો સમાવવી આ તમામ બાબતો પર ચર્ચા થઈ હતી તેમજ મનપા કમિશનરે જણાવ્યું હતું કે, ટૂંક જ સમયમાં લગભગ દિવાળી પહેલાં જ આ મુખ્ય વહીવટી ભવનનની ફ્રેમવર્ક (ફાઈનલ ડિઝાઈન) તૈયાર કરી દેવામાં આવશે. તેમજ શહેરમાં જે જે સરકારી વિભાગની ઓફિસો ભાડાના મકાનમાં ચાલે છે તે વિભાગો પાસેથી તેની જરૂરિયાતો અંગે સૂચનો મંગાવાયા છે.
સોમવારે ગાંધીનગરથી રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં વડાપ્રધાન મોદીએ કેટલાંક સૂચનો કર્યાં હતાં, જેને ધ્યાનમાં રાખી મનપાએ 14 માળના બિલ્ડિંગને 28 માળ, જ્યારે વધુ એક 29 માળનું એમ 2 ગગનચૂંબી બિલ્ડિંગ નિર્માણ કરવા પર વિચાર કર્યો છે. વડાપ્રધાને બંને ભવનોમાં રાજ્ય-કેન્દ્ર સરકારના વિભાગોને પણ સમાવી લેવા સૂચન કર્યાં હતાં. આઇટી, જીએસટી, ઇરિગેશન, વીમા કંપની અને સરકારી બેંકો તેમજ અન્ય સરકારી કચેરીઓના વિવિધ વિભાગો કે જેઓની ઓફિસ ક્યાંય છે જ નહીં તેવી ઓફિસોને પણ સમાવી શકાય.
ગ્રીન બિલ્ડિંગનો અમલ કરાશે, સ્પોર્ટસ એક્ટિવિટી પણ સમાવાશે
નવા વહીવટી ભવનની બંને બિલ્ડિંગને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના ધારાધોરણ મુજબ બનાવી 35 ટકા એનર્જી સોલારથી બનાવવાનો કોન્સેપ્ટ વિચારાયો છે. સાથે જ આ વહીવટી ભવનમાં સ્પોર્ટસ એક્ટિવિટીને પણ સમાવી લેવા માટેનો વિચાર હાલ કરવામાં આવી રહ્યો છે. તેમજ નવા ભવનથી ઉધના બીઆરટીએસ સ્ટેશન નજીકમાં છે તેમજ મેટ્રો સ્ટેશન પણ નજીકમાં હશે. જેથી કનેક્ટિવિટી પણ મળી રહેશે. તેમજ અંડરગ્રાઉન્ડમાં 3 બેઝ નીચે સુધી પાર્કિંગની વ્યવસ્થા રખાશે.