મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (AryanKhanDrugsCase) NCBના અધિકારી સમીર વાનખેડે (Samir Vankhede) સામે રૂપિયા 21 કરોડની લાંચ (Bribe) માંગવાના આરોપમાં ચાલી રહેલાં કેસમાં હવે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે. તપાસ દરમિયાન સમીર વાનખેડેએ તેની શાહરૂખ ખાન (Sharukh Khan) સાથેની વોટ્સએપ (Whatsapp) વાતચીત તપાસ અધિકારીઓ સમક્ષ રજૂ કરી દાવો કર્યો છે કે, શાહરૂખ ખાને જેલમાં આર્યન ખાનનું ધ્યાન રાખવા વિનંતી કરી હતી. સમીર વાનખેડેએ શાહરૂખ સાથેની વાતચીતની આખીય વોટ્સએપ ચેપ તપાસ અધિકારીઓ સમક્ષ રજૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
સમીર વાનખેડેએ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં શાહરૂખ ખાન સાથેની વાતચીતનો ખુલાસો કર્યો છે. વાનખેડેનો દાવો છે કે તેને આ મેસેજ શાહરૂખ ખાને મોકલ્યા હતા. આ મેસેજમાં શાહરૂખ ખાને વારંવાર સમીર વાનખેડેને જેલમાં પુત્ર આર્યનની સંભાળ રાખવાની અપીલ કરી હતી. વાનખેડેને ઘણી વખત વિનંતી કરતાં શાહરૂખ ખાને લખ્યું હતું કે, ‘પ્લીઝ, આર્યન પ્રત્યે થોડું નરમ વલણ રાખજો’.
આ કેસ આર્યનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે
વોટ્સએપ ચેટમાં શાહરૂખ ખાને લખ્યું હતું કે, ‘હું આર્યનને એવો વ્યક્તિ બનાવવાનો પૂરો પ્રયાસ કરીશ જેના પર તમને અને મને ગર્વ થશે. આ ઘટના તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. હું તમને ખાતરી આપું છું. દેશને પ્રામાણિક અને મહેનતુ યુવાનોની જરૂર છે જે દેશને આગળ લઈ જઈ શકે. તમે અને મેં અમારી જવાબદારી નિભાવી છે જેને આવનારી પેઢી અનુસરશે. ભવિષ્ય માટે તેમાં પરિવર્તન લાવવાનું આપણા હાથમાં છે. તમારા સમર્થન અને દયા માટે ફરી એકવાર આભાર.
શાહરૂખે સમીર વાનખેડેને પર્સનલી મળવા વિનંતી કરી
ભગવાન તમારું ભલુ કરે. મારે તમને અંગત રીતે મળવા આવવું છે, જેથી હું તમને ગળે લગાવી શકું. જ્યારે તમે કમ્ફર્ટેલ હોવ ત્યારે પ્લીઝ મને જણાવજો. મને મદદ કરવાનો પ્રયાસ કરવા બદલ તમારો આભાર. હું તમારો હંમેશા ઋણી રહીશ. હું નિષ્ઠાપૂર્વક માનું છું કે તમે તમારી સત્તાની ક્ષમતા અનુસાર તમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. હું પિતા જેવો જ વિચારું છું. પરંતુ કેટલીકવાર આપણા શ્રેષ્ઠ પ્રયાસો પણ પૂરતા નથી હોતા. ધીરજ જરૂરી છે. આભાર. લવ SRK
પ્લીઝ, મારા પુત્રને ઘરે મોકલો
શાહરૂખ ખાને પુત્ર આર્યન ખાનને જેલમાંથી છોડાવવા સમીર વાનખેડેને ખૂબ વિનંતીઓ કરી હોવાનો દાવો આ વોટ્સએપ ચેટ રજૂ કરી સમીર વાનખેડેએ કર્યો છે. આ મેસેજમાં શાહરૂખ લકે છે, ‘હું તમને વિનંતી કરું છું કે આર્યનને જેલમાં ન રહેવા દો. આ રજાઓ આવશે અને તે માણસ તરીકે તૂટી જશે. તમે વચન આપ્યું હતું કે તમે મારા બાળકને સુધારશો, તેને એવી જગ્યાએ નહીં મોકલશો જ્યાંથી તે સંપૂર્ણ રીતે ભાંગી અને વિખેરાઈને પાછો આવશે. તેનો કોઈ દોષ નથી.
પ્લીઝ મારા દીકરાને ઘરે મોકલો
તમે એક સારા વ્યક્તિ તરીકે તેની સાથે આવું કેમ કરો છો, તે પણ તે સ્વાર્થી લોકો માટે. હું વચન આપું છું કે હું એ લોકો પાસે જઈશ અને તેમને વિનંતી કરીશ કે તમારી સામે વધુ કંઈ ન બોલું. હું તેમને મારી વાત સાંભળવા અને તેઓએ તમને જે કહ્યું છે તે (નિવેદન) પાછું લેવા માટે મારી શક્તિમાં જે હશે તે કરીશ. હું વચન આપું છું કે હું આ બધું કરીશ અને કોઈને રોકવા માટે ભીખ માંગવામાં પાછળ રહીશ નહીં. પણ મહેરબાની કરીને મારા દીકરાને ઘરે મોકલો. તમે પણ તમારા દિલમાં જાણો છો કે તેની સાથે આ વધારે પડતું થઈ ગયું છે. મહેરબાની કરીને હું તમને પિતા તરીકે વિનંતી કરું છું.
અમારું કુટુંબ તૂટી જશે
હું તેમને કહું છું કે તમને બોલાવે. હું વચન આપું છું કે હું જાતે તેનું પાલન કરીશ. પ્લીઝ આજે થોડીક દયા બતાવો. ભગવાન તમારું ભલુ કરે. આજે મારું દિલ તોડશો નહીં. આ એક પિતાની પિતાને વિનંતી છે. હું મારા બાળકોને તમારી જેમ જ પ્રેમ કરું છું. સમીર, હું નમ્ર અને દયાળુ વ્યક્તિ છું. મહેરબાની કરીને મારી અને સિસ્ટમમાં મારો વિશ્વાસ તોડશો નહીં. મહેરબાની કરીને આ અમારું કુટુંબ તોડી નાખશે. મદદ કરવાના તમારા પ્રયાસ બદલ આભાર. હું તમારા માટે ખૂબ જ બંધાયેલો છું. લવ SRK
આર્યન સાથે નરમ વલણ રાખજો
પ્લીઝ આર્યન સાથે થોડો નરમ વ્યવહાર રાખજો. મારા પુત્રને ઘરે આવવા દો. હું તમને આનાથી વધુ કંઈ કહી શકું નહીં. તમે આ આખા મામલામાં મારું વર્તન જોયું જ હશે. તમે ગમે તે કર્યું, હું ક્યારેય તેની વિરુદ્ધ ગયો નથી. જ્યારે તમે કહ્યું કે તમે આર્યનને વધુ સારો વ્યક્તિ બનાવવા માંગો છો. મેં વિશ્વાસ કર્યો. તપાસ દરમિયાન મેં મારા પુત્રને કોઈપણ રીતે મદદ કરી નથી. ન તો પ્રેસમાં ગયો, ન તો મીડિયામાં કશું કહ્યું. કારણ કે હું તમારામાં વિશ્વાસ કરું છું. શું તમે મારી દીકરી સાથે વાત કરી શકશો?
મારો દીકરો રસ્તો ભૂલી ગયો હશે પણ…
ભગવાનની ખાતર તમારા લોકોને થોડા ધીમા પડવા કહો. હું વચન આપું છું કે આવનારા સમયમાં હંમેશા તમારા માટે હાજર રહીશ અને તમે જે પણ સારું પ્રાપ્ત કરવા માંગો છો તેમાં તમને મદદ કરીશ. આ મારું તમને વચન છે અને તમે મને એટલું જાણો છો કે હું ચોક્કસપણે વચન નિભાવીશ. હું તમારી સામે વિનંતી કરું છું કે પ્લીઝ મારા અને મારા પરિવાર પર દયા કરો. અમે ખૂબ જ સાદા માણસ છીએ અને મારો દીકરો ભલે ભટકી ગયો હોય પણ તે કઠોર ગુનેગારની જેમ જેલમાં રહેવાને લાયક નથી. આ વાત તમે પણ જાણો છો. પ્લીઝ થોડું મોટું દિલ બતાવો, હું તમારી સામે ભીખ માંગું છું.
શું હું તમારી સાથે વાત કરી શકું…
પ્લીઝ મને ફોન કરો હું તમારી સાથે પિતાની જેમ વાત કરીશ. તમે એક સજ્જન અને સારા પતિ છો અને હું પણ. મારે મારા પરિવારને કાયદાના દાયરામાં રહીને મદદ કરવી પડશે. સમીર સાહેબ, હું તમારી સાથે એક મિનિટ વાત કરી શકું. હું જાણું છું કે આ ઓફિશીયલ તેમ કરવું યોગ્ય નહીં હોય અને સંપૂર્ણપણે ખોટું સાબિત થઈ શકે છે. પણ એકવાર પિતાની જેમ હું તમારી સાથે વાત કરી શકું. લવ SRK
મારા પુત્રએ સબક શીખી લીધો છે
તમે જે કહ્યું તે હું કરી રહ્યો છું. આશા છે કે તમે અનુભવી શકો કે મારા પુત્રએ સબક શીખી લીધો છે હવે તે પોતાના સારા ભવિષ્ય માટે સખત મહેનત કરશે. આભાર. આટલી મોડી રાત્રે મેસેજ કરવા બદલ માફ કરશો. પરંતુ પિતા તરીકે આ સમયે જાગવું પણ જરૂરી છે. લવ SRK
અધિકારી તરીકે મને પ્લીઝ મદદ કરો
કાયદા અધિકારી તરીકે, જો તમે માન ગુમાવ્યા વિના અમને મદદ કરી શકો, તો પ્લીઝ કરો. હું હંમેશા તમારો આભારી રહીશ. હું ટેકનીકલી કશું જાણતો નથી, પરંતુ જો તે તમને અને તમારા વિભાગને અનુકૂળ હોય તો. ટૂંકો જવાબ. હું વચન આપું છું કે તમને તેની પાસેથી જે પણ મદદની જરૂર છે, તે તે કરશે. અમારો પરિવાર તેને કોઈપણ નકારાત્મક ઈમેજ વગર ઘરે લાવવા માંગે છે. આ તેને ભવિષ્યમાં ઘણી મદદ કરશે. એક પિતા તરીકે, હું તમને ફક્ત વિનંતી કરી શકું છું. ફરીવાર આભાર.
મારા પુત્રને રાજકારણમાં સંડોવશો નહીં
મારો પુત્ર આ બધાનો ભાગ નથી. આ વાત તમે પણ જાણો છો. તમે એ પણ જાણો છો કે જો તેની ભૂલ છે તો તે ખૂબ જ ઓછી છે. તેને સમજાવવાની જરૂર છે. અમારી વચ્ચે ચર્ચા થઈ હતી કે અમે તેને વધુ સારી વ્યક્તિ બનાવવા માટે કામ કરીશું, પરંતુ કાયદાકીય રીતે. પ્લીઝ હું તમારી સામે હાથ જોડીને કહું છું કે મારી પાસે એવું કંઈ નથી જે તમારા હિતમાં ન હોય. હું તમને બધાને હાથ જોડીને કહેવા માંગુ છું કે મારા પુત્રને કોઈપણ પ્રકારના રાજકારણમાં ન ફસાવો.
મારા પુત્ર પર ખોટા આરોપ ન લગાવો
જેઓ ઉત્તર પ્રદેશમાં બેઠા છે અને અહીં મુંબઈમાં હાજર છે, તેઓ મારા પુત્ર પર આવો આરોપ ન લગાવો. હું એક પિતા તરીકે તમારી સામે આ બધું કહું છું. તમારા પોતાના હિત માટે મારા પુત્રને ફસાવશો નહીં. તેના પર ખોટા આરોપો ન લગાવો. મારા પુત્રએ જે કંઈ કર્યું નથી તેની સજા તેને ન થવી જોઈએ. હું તમારી સમક્ષ હાથ જોડું છું.
મારા પુત્રને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યો છે
હું ભીખ માંગું છુ અમારા માટે આ બહુ મોટી વાત છે. મારા પરિવાર અને પુત્રને જાણીજોઈને આ બધામાં ફસાવવામાં આવી રહ્યા છે. હું દરેક સાથે વાત કરવાનું ટાળું છું. હું કશું કહેવા માંગતો નથી. તેના બદલે, મેં તે તમામ લોકોને મારા વતી કોઈ નિવેદન ન આપવા વિનંતી કરી છે. જ્યારે હું બોલીશ ત્યારે હું દરેકને સત્ય કહીશ. મેં શું કર્યું છે તે હું તમને કહીશ. અને તે નિવેદનોમાં એવું કંઈ નથી કે જે તમારી છબીને કલંકિત કરે. હું કસમ ખાઉં છું સર. હું ભીખ માંગુ છું સર. મારો પુત્ર આ બધામાં સામેલ નથી. તમે મહેરબાની કરીને તમારા લોકોને કહે કે થોડા નરમાઈ દાખવે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના 2 ઓક્ટોબર 2021ની છે. NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો. NCBને જહાજ પર રેવ પાર્ટીની માહિતી મળી હતી. પાર્ટી શરૂ થાય તે પહેલા જ 8 લોકો ઝડપાઈ ગયા હતા. આર્યન ખાન અને તેના બે મિત્રો (અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા) પણ પકડાયેલા લોકોમાં સામેલ હતા.
આર્યન 28 દિવસ આર્થર રોડ જેલમાં રહ્યો હતો
NCB અધિકારીઓને આર્યન પાસેથી કોઈપણ પ્રકારનો નશાકારક દ્રવ્ય મળ્યું નહતું. સ્ટારકિડને પહેલા NCB કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી હતી. આર્યન 28 દિવસ જેલમાં રહ્યા બાદ મુક્ત થયો હતો. શાહરૂખે પોતાના પુત્રની મુક્તિ માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.