Entertainment

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ સ્મગલિંગમાં સંડોવાયેલો છે: NCBનો હાઈકોર્ટમાં આરોપ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મંગળવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરેલી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. (NCB)એ આરોપ લગાવ્યો છે કે આર્યન માત્ર ડ્રગ્સ લેતો જ નથી, પરંતુ તે ગેરકાયદેસર ડ્રગ સ્મગલિંગમાં (Drug Smuggling) પણ સામેલ હતો. એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે આર્યન ખાન અને શાહરૂખ ખાનની (ShahRukh Khan) મેનેજર પૂજા દદલાની નામની મહિલા તપાસને પાટા પરથી ઉતારવાના પ્રયાસમાં પુરાવા અને સાક્ષીઓ સાથે ચેંડા કરી રહી હતી.

બીજી તરફ આર્યન ખાનના વકીલોએ હાઈકોર્ટમાં એક વધારાની નોંધ રજૂ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને કેટલાક રાજકીય વ્યક્તિઓ વચ્ચે જે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. આર્યન ખાને કરેલી જામીન અરજીના જવાબમાં NCBએ મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેનું સોગંદનામું દાખલ કર્યું હતું. જસ્ટિસ એનડબલ્યુ સામ્બ્રેની સિંગલ બેન્ચ આ મામલે દિવસ પછી સુનાવણી કરે તેવી શક્યતા છે.

એનસીબીએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે કેસમાં તપાસને પાટા પરથી ઉતારવાના ખોટા ઈરાદા સાથે ચાલી રહેલી તપાસ સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એફિડેવિટમાં પૂજા દદલાનીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “તપાસ ચાલુ હોય ત્યારે આ મહિલાએ પાંચ સાક્ષીઓને પ્રભાવિત કર્યા હોય તેવું લાગે છે.” એનસીબીએ કહ્યું કે જામીન અરજી ખોટી છે.

એજન્સીએ કોર્ટને કહ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં ડ્રગ્સની ગેરકાયદેસર ખરીદી, પરિવહન અને સેવનમાં આર્યન ખાનની ભૂમિકા સામે આવી છે. એજન્સીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આર્યન ખાન તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો, જે આ કેસમાં પણ આરોપી છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “અરજદાર (આર્યન ખાન) વિદેશમાં અમુક વ્યક્તિઓના સંપર્કમાં હતો જેઓ ડ્રગ્સની ગેરકાયદેસર ખરીદી માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો ભાગ હોવાનું જણાય છે.” સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ ન મળી હોવા છતાં તેણે આ ષડયંત્રમાં ભાગ લીધો છે.

“એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસર ડ્રગ હેરફેર સહિતના ગંભીર ગુનાઓમાં આ અરજદાર (આર્યન ખાન)ની ભૂમિકા સ્પષ્ટ છે. આ કેસમાં તેની સાંઠગાંઠ અને અન્ય આરોપીઓ સાથેના સંબંધો જોવામાં આવ્યા છે,” એફિડેવિટમાં જણાવ્યું હતું. એનસીબીએ કહ્યું કે અન્ય આરોપીઓ પાસેથી ડ્રગ્સનો સાધારણ જથ્થો મળી આવ્યો છે અને તેથી આર્યન ખાનના કેસને અલગથી જોઈ શકાય નહીં. એનસીબીએ એમ પણ કહ્યું કે આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે. ચાર્જશીટ દાખલ કરવાની જરૂર છે.

Most Popular

To Top