અડાજણમાં ઈશિતા પાર્ક નામનો સુરત મ્યુ કૉર્પો સંચાલિત સિનિયર સીટીઝન હોલ આવેલો છે. આ હોલ સિનિયર સીટીઝનોના કાર્યક્રમો આયોજીત કરવા ફ્રીમાં આપવામાં આવે છે જે એક પ્રશંસનીય બાબત કહી શકાય. આ લખનારે મહિનામાં એક વાર એક સિનિયર સીટીઝન કાર્યક્રમમાં હાજરી આપવાનું થાય છે એટલે ખબર પડે છે કે હોલની કોઇ પણ પ્રકારે જાળવણી થતી હોય એવું લાગતું નથી. હૉલની સિલીંગ ત્રણેક જગ્યાએથી સારા જેવા પ્રમાણમાં ખુલ્લી થઈ ગયેલી છે. દિવાલોની હાલત પણ સમારકામ માંગી લે એવી છે. તેમાં જે ટ્યુબ લાઈટો છે તેની પણ સાફસફાઈ થતી હોય એવું લાગતું નથી જેથી થોડા અંધારાનો એહસાસ થાય છે.સુરત મ્યુ કૉર્પોરેશનનું લાગતુંવળગતું તંત્ર જો ધ્યાન આપીને ઈશિતા પાર્ક હૉલની કાળજી લેશે તો સોનામાં સુગંધ ભળશે કારણ કે સિનિયર સીટીઝનોના કાર્યક્રમ માટે હોલ ફ્રીમાં આપવામાં આવે જ છે. આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આ અંગે ધ્યાન કેન્દ્રિત કરી ઘટતાં પગલાં લેવામાં આવશે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
“માનવીના મુખેથી ઉચ્ચારાયેલ શબ્દો થકી થતું નુકસાન શમી જાય પણ…?”
જ્યારથી માણસ વિચારતો થયો અને વાચા આવે એટલે બોલાયેલા શબ્દો જે બધાને પસંદ નથી હોતા તેના દ્વારા રમખાણો થયાનાં ઉદાહરણો ઇતિહાસ વાંચતાં જણાય છે. આપણે બધાને ખબર છે કે કટુ વચન બોલવાના કારણે જ મહાભારતનું સર્જન થયેલ એમ કહીએ તો ખોટું નથી. આમ પણ જીવનપર્યન્ત દરેક વ્યક્તિનું બોલવું તો સરળ અને મીઠું જ હોવું જોઇએ પરંતુ ગુજરાતીમાં કહેવત છે કે વધુ પડતું મીઠુ બોલનાર વ્યક્તિનો કોઈ વિશ્વાસ નથી કરતા, કેમકે જીવનમા સાચી સલાહ આપનારા, પ્રગતિનો પંથ બતાવનારા વધુ પડતું મીઠુ નથી બોલતા થોડું કડવું બોલે પણ સારા માટે હોય છે અને એટલા માટે બીમાર વ્યક્તિને સારા થવા માટે ડોક્ટર જે દવા આપે તે કડવી હોય છે.
લેખકો, અખબારના કોલમીસ્ટ, પત્રકાર, તંત્રીની ભાષા અન્યને સાચો રાહ દેખાડનારી હોય છે. જયારે ન બોલાયેલા શબ્દો જીવનપર્યન્ત અનેક મુશ્કેલીઓ સર્જે એવું બને. બોલાયેલા શબ્દો અમુક સમય પછી ભૂલી જવાય તો નુકસાન નથી પરંતુ જે શબ્દો માનવીના મનમાં જ ઘૂંટાયેલા રહે તો અનેક ઘણું નુકસાન પહોંચાડતા હોય છે એવા દાખલા દરેક ક્ષેત્રમાં જોવા નથી મળતા? હવે તો દરેક પ્રકારની થેરાપી આવી ગઈ તેમાં હાસ્યથેરાપી જબરજસ્ત હસવાના ક્લાસ પૈસા ખરચીને બધું જ વ્યાપારીકરણ, માનવીને બોલતા શીખવા માટે “મોટિવેશનલ સ્પીકર “ઠીક છે ચાલો જમાનો બદલાયો પણ માનવી નથી બદલાતો, પોતાના મનમાં રહેલું તો આખરે અન્યના ભલા માટે હોય ત્યારે જ…?
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.