આણંદ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી અંતર્ગત આગામી 5મી ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લાના તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન કરવા બાબતે જાગૃતિ આવે અને આ ચૂંટણીમાં જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયાં છે.
આણંદના અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીત પટેલ તેમજ સ્વીપના નોડલ અધિકારી અને આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સીધી દેખરેખ હેઠળ જિલ્લાના મતદારો અને તેમાંય ખાસ કરીને યુવા મતદારોમાં મતદાન બાબતે જાગૃતિ કેળવાય તેવા આશયથી આણંદ જિલ્લાના 40 જેટલા જાહેર સ્થળોએ “સેલ્ફી સ્ટીકી” મૂકવામાં આવી છે. મતદારો આ સેલ્ફી સ્ટીકીની સાથે તેમનો પોતાનો ફોટો લઈ શકે અને તેની સાથો- સાથ આ સેલ્ફી સ્ટીકી પર લખાયેલા મતદાન અચૂક કરવાનો અનુરોધ કરતાં મતદાર જાગૃતિના સંદેશાને વાંચીને મતદાન કરવા પ્રેરાય તેવા શુભાશય સાથે જિલ્લાના વિવિધ જાહેર સ્થળોની સાથે આણંદ જિલ્લાની તમામ મામલતદાર ઓફિસ ખાતે પણ આવી સેલ્ફી સ્ટીકી મૂકવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરે તેવા ઉદ્દેશ સાથે સમગ્ર જિલ્લામાં સ્વીપ અંતર્ગત હાથ ધરાયેલા મતદાર જાગૃતિના કાર્યક્રમોની સાથે જિલ્લાના મતદારોએ પણ સ્વયં જાગૃત બની મતદાનના દિવસે તેમના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનવું પડશે. આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ જાગૃતિ લાવવા પ્રયત્ન હાથ ધરાયાં છે.