નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) પોતાના ગ્રાહકોને ભેંટ આપી છે. HDFC બેંક બાદ હવે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોમાં (Interest rates) વધારો જાહેર કર્યો છે. FD પર બેંકના વધેલા દરો 15 જાન્યુઆરી 2022 થી જ લાગુ કરવામાં આવશે. નવા વ્યાજદરોના લીધે થાપણના વ્યાજ પર જીવન વ્યતિત કરતા સિનીયર સિટીઝન્સને સારો ફાયદો થશે.
SBI બેંકે પસંદગીના સમયગાળા માટે વ્યાજના દરોમાં વધારો કર્યો છે. SBIની વેબસાઈટ અનુસાર SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ (Deposit ) પરના દરોમાં ફેરફાર જાહેર કર્યો છે.બેંકે વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ્સ (bps) સુધીનો વધારો કર્યો છે. જેથી હવે ગ્રાહકોને FD પર 2.90 થી 5.40% વ્યાજ મળશે. તેમજ વરિષ્ઠ નાગરિકોને હવે 5.5% ને બદલે 5.6% વધુ વ્યાજ મળશે.
HDFC બેંકના જાણો FD વ્યાજ દર
આ અગાઉ ખાનગી ક્ષેત્રની HDFC બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) પર અમુક ચોક્કસ સમયગાળા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. HDFC બેંકે રૂ. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પરના દરોમાં ફેરફાર કર્યો છે. FD પર બેંકના વધેલા દરો 12 જાન્યુઆરી 2022થી લાગુ થશે. બેંકની વેબસાઇટ અનુસાર, હવે 2 વર્ષ 1 દિવસ અને 3 વર્ષ વચ્ચેની FD પર 5.2% વ્યાજ મળશે. 3 વર્ષ 1 દિવસ અને 5 વર્ષની FD પર 5.4% અને 5 વર્ષ 1 દિવસ અને 10 વર્ષની FD પર 5.6% વ્યાજ મળશે.
HDFC બેંક 7 થી 29 દિવસમાં પાકતી થાપણો પર 2.50 ટકા અને 30 થી 90 દિવસની પાકતી મુદતવાળી FD પર 3 ટકા વ્યાજ ચૂકવશે. 91 દિવસથી 6 મહિનાની મેચ્યારિટીવાળી FD પર 3.5 ટકા વ્યાજ ચૂકવવું પડશે અને 6 મહિનાથી 1 દિવસથી એક વર્ષથી ઓછા સમયગાળાની મેચ્યોરીટિવાળી FD પર 4.4 ટકા વ્યાજ મળશે. ત્યારે બેંક એક વર્ષની FD પર 4.9 ટકાની ઓફર કરી રહી છે. જ્યારે, ICICI બેંક FD રેટ 7 દિવસથી 10 વર્ષ વચ્ચેના સમયગાળા દરમિયાન 2.5-5.5% ની વચ્ચે રાખવામાં આવી છે.