સાયણ: (Sayan) વિહારાથી સાયણ તરફના રોડ ઉપર જતી કારને (Car) અકસ્માત નડ્યો હતો. માધર ગામની હદમાં રોડ પરથી પસાર થતા એક સાપને બચાવતી વખતે ચાલકે કાર પૂરઝડપે અને ગફલતભરી કાર હંકારતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની સાઇડમાં ઊતરી ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનું મોત થયું હતું.
મૂળ રાજસ્થાનના બાંસવાડાના શ્રમજીવી બાલચંદ થાવરાભાઇ કટારા તેની પત્ની સીમાબેન સાથે હાલમાં સાયણ-સિવાણ રોડ ઉપર શ્રીરામ કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યાના પડાવમાં રહી કડિયાકામ કરે છે. આ પડાવમાં તેના કુટુંબી ભાઈ દિનેશ ભેરૂ કટારા, તેની પત્ની પ્રિયંકાબેન તથા ૭ વર્ષીય દીકરી રોશની અને અન્ય મજૂરો પણ રહેતા હતા. આ મજૂરો હાલમાં ઓલપાડના કણભી ગામે મકાન બાંધકામ કરતા કોન્ટ્રાક્ટર મહેશ વલ્લભ ધોલા (હાલ રહે.,૪૦, સરિતા સોસાયટી, કતારગામ, સુરત)ને ત્યાં કડિયાકામ કરતા હોવાથી કોન્ટ્રાક્ટર રોજ આ મજૂરોને તેની કારમાં બેસાડી કામના સ્થળે લઈ જઈ ફરી પડાવ સ્થળે લાવતા હતા.
ગત તા.૮ના રોજ સાંજે ૬:૩૦ કલાકના સુમારે કોન્ટ્રાક્ટર મહેશ ધોલા તેના કબજાની હ્યુન્ડાઇ કંપનીની એસન્ટ ફોર વ્હીલ કાર નં.(જીજે-૦૫,સીએલ-૧૪૩૧) હંકારી કણભી ગામથી આ મજૂરોને કારમાં બેસાડી વિહારાથી સાયણ તરફના રોડ ઉપર કાર હંકારી રહ્યા હતા. ત્યારે માધર ગામની હદમાં રોડ પરથી પસાર થતા એક સાપને બચાવતી વખતે મહેશ ધોલાએ કાર પૂરઝડપે અને ગફલતભરી કાર હંકારતાં તેમણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર રસ્તાની સાઇડમાં ઊતરી ઝાડ સાથે અથડાતાં તેમને ઇજા થઈ હતી. જ્યારે શ્રમજીવી બાલચંદ કટારાને માથા, ગળા, જમણા પગ અને પત્ની સીમાબેનને માથાના ભાગે ઇજા પહોંચી હતી. તો તેના કુટુંબી ભાઈ દિનેશ કટારા અને તેની પત્ની પ્રિયંકાબેનને શરીરે ગંભીર ઇજા તથા આ દંપતીની ૭ વર્ષીય દીકરી રોશનીને પણ જીવલેણ ઇજા થઈ હતી.
આ ઉપરાંત કારમાં સવાર અન્ય એક શ્રમજીવી સ્ત્રી તથા તેના બે બાળકને સામાન્ય ઇજા થઈ હતી. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં લવાતાં ફરજ પરના તબીબે રોશનીને તપાસી મૃત જાહેર કરી હતી. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરત ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં, જ્યારે ચાર મજૂરને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે. આ બાબતે બાલચંદ કટારાએ કારચાલક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.