Dakshin Gujarat

ગીરાધોધ પાસે નંબર વગરની નવી કારને અકસ્માત નડતાં બાળકીનું મોત

સાપુતારા: (Saputara) વાંસદાનાં નાની વઘઈ કીલાદથી પરિવાર સાથે શિરડી સાઈબાબાનાં દર્શને જવા નીકળેલા પરિવારની નવી નંબર વગરની ઇકો કારને (Car) ડાંગ જિલ્લાનાં વઘઇ ગીરાધોધ (Gira Dhodh) ફાટક પાસે અકસ્માત (Accident) નડતા સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યુ હતુ. જ્યારે ઈકો કારમાં સવાર અન્યોને ઈજાઓ થતા સારવાર અર્થે દાખલ કરાયા છે.

  • વાંસદાના પરિવારને ગીરાધોધ પાસે અકસ્માત નડતાં બાળકીનું મોત
  • ઇકો કાર બે પલટી મારી જતાં ફસાયેલા પરિવારજનોને રાહદારીઓએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા

વાંસદાનાં નાની વઘઈ કીલાદનાં રહેવાસી ધીરેનભાઈ કનુભાઈ નાયકા (ઉ.33 ધંધો.ડ્રાઇવિંગ) જેઓ ગત તારીખ 12-11-2022નાં રોજ તેના સગા સબંધીઓ સાથે પોતાની ઇકો લઈને સાઈબાબાનાં દર્શન માટે શિરડી જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમનો મિત્ર પ્રદિપકુમાર ઈકો ગાડી ચલાવતા હતા. ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ગીરાધોધ ફાટક પાસે આ ઈકો ગાડી બેકાબુ બનતા માર્ગની સાઈડમાં બે વખત પલ્ટી મારી ગઈ હતી. અહીં ઈકો ગાડી પલ્ટી મારી જતા તેમાં સવાર તમામ પરિવારજનો ગાડીની અંદર ફસાઈ ગયા હતા.

આ તમામ ઇજાગ્રસ્તોને રાહદારીઓએ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વઘઈનાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વાંસદા, ચીખલી અને વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઈકો ગાડીમાં સવાર નાની બાળકી સૃષ્ટિને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આ માસૂમ બાળકીનું ગતરોજ મૃત્યું થયું હતું. જ્યારે અન્ય પરિવારજનોને નાની મોટી ઇજાઓ થતા વલસાડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે ધીરેન નાયકાએ પ્રદીપ કુમાર સંતોષસિંહ રહે સેલવાસ,બાબુભાઈની ચાલ નરોલી ચાર રસ્તા સામે ગુનો નોંધાવતા વઘઈ પોલીસની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

હાઇવે ઉપર પસાર થઇ રહેલી ઇકો કારની સાથે ડિવાઇડર કૂદીને આવેલી કાર ભટકાઇ
પારડી : પારડીના બગવાડા ટોલનાકા નજીક સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે અન્ય બે મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ધરમપુર ના વિરવલ ગામના દસાઈ ફળિયા ખાતે રહેતા હિરેન ભગુભાઈ પટેલ બુધવારના રોજ સવારે પોતાની ઇકો વાન નંબર GJ-15-CA-9337માં મીરાબેન ભરતભાઈ પટેલ, મીનાબેન ઈશ્વરભાઈ પટેલ, સોનલબેન બાબુભાઈ નાયકા, અને મેહુલ શાંતિલાલ પટેલ ને બેસાડી દમણ ડાભેલ કંપનીમાં જવા માટે નીકળ્યા હતા. ત્યારે પારડી તાલુકાના બગવાડા નેશનલ હાઇવે નંબર 48 પર બગવાડા ટોલનાકા પાસે શુભમ રેસિડેન્સીની સામે સુરત તરફ જતી કાર નંબર MH-04-KD-9688 ના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી લાવતા કાર હાઇવેનો ડીવાઇડર કુદાવી સામેના ટ્રેક પરથી જતી હિરેનની ઇકો વાન સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો માં સવાર મીરાબેન ભરતભાઈ પટેલ, મીનાબેન ઈશ્વરભાઈ પટેલ, સોનલબેન બાબુભાઈ નાયકાને ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફતે મીનાબેનને વાપી સરકારી હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યારે અન્ય બે મહિલા સોનલ અને મીનાને અન્ય એમ્બ્યુલન્સમાં સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે સોનલ અને મીનાબેન કુરેશી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ચાલક હિરેન અને મેહુલને સામાન્ય ઇજા પહોંચી છે. આ ઘટનામાં ધરમપુરના મગરમાળ ખાતે રહેતાં મીરાબેન પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે હિરેનભાઈએ કાર ચાલક યશપાલ કાંતિલાલ જૈન રહે મુંબઈ વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top