સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) વઘઇ તાલુકાનાં જામન્યામાળ ફાટક પાસે મોટરસાયકલ (Motorcycle) સવારો ઝાડ (Tree) સાથે ભટકાતા ઘટના સ્થળે એકનું મોત નીપજ્યુ હતું.
- વઘઇનાં જામન્યામાળ ફાટક પાસે બાઇક ઝાડ સાથે ભટકાતા એકનું મોત
- બે લોકો મોટરસાઈકલ પર સવાર થઈ દુકાનનો સામાન લેવા વઘઇ ગયા હતા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજરોજ વાંસદા તાલુકાનાં વાટી ગામનાં મોતિરામભાઈ વાળલ ગાવીત તથા લક્ષુભાઈ ખાલપા ચૌધરી મોટરસાયકલ નં. જીજે21એન1821 પર સવાર થઈ દુકાનનો સામાન લેવા વઘઇ ગયા હતા. વઘઈથી દુકાનનો સામાન લઈ પરત વાટી જઈ રહ્યા હતા તે વેળાએ મોટરસાયકલ ચાલક લક્ષુભાઈ ખાલપા ચૌધરીએ ગફલતભરી રીતે હંકારી સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા મોટરસાઇકલને માર્ગની સાઇડમાં આવેલા ઝાડ સાથે ભટકાતા અકસ્માતમાં મોટરસાયકલ લક્ષુ ચૌધરીને કપાળ તથા મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મોત નિપજ્યુ હતુ.
જ્યારે પાછળ બેસેલા મોતીલાલ ગાવીતને પણ મોટી ઈજાઓ પહોચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાપુતારા ઘાટમાં પીકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
સાપુતારા : ગુજરાતનાં અંકલેશ્વર ખાતે દૂધનો જથ્થો ખાલી કરી પરત મહારાષ્ટ્રમાં આવી રહેલી ટ્રક નં. (એમએચ-17-બીવાય-4660)ને વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બાજ ગામ નજીક એક પીકઅપ વાનચાલકે પુરઝડપે ગફલતભરી રીતે રોંગ સાઈડમાં હંકારી ટક્કર મારતાં સામે ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક પલ્ટી થઈ જતાં ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત પીકઅપ વાનને જંગી નુકશાન થયું હતું. જ્યારે ચાલકો અને ક્લીનરોને નાની મોટી ઈજાઓ પહોંચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો મળી છે. આ બનાવ સંદર્ભે ટ્રક ચાલકે પીકઅપ વાન ચાલક વિરુદ્ધ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.