Dakshin Gujarat

ડાંગ જિલ્લાના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંબિકા નદીનાં વહેણ તેજ બન્યા

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) ગતરોજ રાત્રીનાં અરસાથી મંગળવાર દિવસ દરમ્યાન સાર્વત્રિક વરસાદ (Rain) પડતા પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા પંથકનાં નીચાણવાળા કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતા અંબિકા નદીનાં વહેણ તેજ બન્યા હતા. બપોરે 2 થી 4 વાગ્યે સુધીમાં જલાલપોર તાલુકામાં દોઢ ઇંચથી વધુ અને નવસારી તાલુકામાં સવા એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જેથી નવસારી (Navsari) અને જલાલપોરમાં નીચાણવાળા વિસ્તારો સહિત રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. નવસારી રેલવે ગરનાળામાં પણ પાણી વધુ ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. આ સિવાય બપોરે 4 થી 6 વાગ્યે સુધી ગણદેવી તાલુકામાં પણ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો.

ડાંગમાં સોમવારે રાત્રિના અરસાથી મંગળવારે દિવસ દરમ્યાન જિલ્લાનાં આહવા, બોરખલ, ગલકુંડ, વઘઇ, સાકરપાતળ, ભેંસકાતરી, ઝાવડા, કાલીબેલ સહિતનાં પંથકોમાં વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. વરસાદી માહોલનાં પગલે અંબિકા, ખાપરી અને પુર્ણા નદીનાં શાંત વહેણ તેજ બન્યા હતા. સુબિર પંથકમાં સોમવારે દિવસ દરમ્યાન ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલા શામગહાન સહીત નીચાણવાળા કેચમેન્ટ એરીયાનાં ગામડાઓમાં ગતરોજ રાત્રીનાં અરસામાં અને સોમવારે દિવસ દરમ્યાન ભારે વરસાદ પડતા અંબિકા નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.

ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર સોમવારે સાંજે 6 વાગ્યાથી મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 05 મી.મી., સુબિર પંથકમાં 03 મી.મી., આહવા પંથકમાં 34 મી.મી. અર્થાત 1.36 ઈંચ. જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 45 મી.મી. 1.8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

દમણમાં 1.5 ઈંચ વરસાદ, સાર્વત્રિક ઠંડક પ્રસરી
દમણ : સંઘ પ્રદેશ દમણમાં ફરી એક વાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં લોકોએ આકરા બફારામાંથી રાહત અનુભવી છે. છેલ્લા 10 દિવસથી પ્રદેશમાં છૂટા છવાયા વરસાદ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાનહ તથા મહારાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ પ્રમાણેની આગાહી કરતાં વહેલી સવારથી જ પ્રદેશમાં ડાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જ્યાં બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસતાં પ્રદેશમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દમણમાં સવારે 8 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો

Most Popular

To Top