સુરત: (Surat) ગુજસીટોકના (Gujcitok) ગુનામાં રાજ્યમાં પહેલી વખત હાઈકોર્ટમાંથી (High Court) જામીન (Bail) મેળવનાર રાંદેરના માથાભારે સજજુ કોઠારી (Sajju Kothari) સામે રાંદેર પોલીસે ફરિયાદ (Police complaint) નોંધી હતી. જમીન દલાલે (Land broker) ઉછીના (Borrowed) લીધેલા અઢી કરોડ ચુકવી દીધા પછી પણ ઉઘરાણી કરી જાનથી મારવાની ધમકી (Death threat) આપી હતી.
અડાજણ ખાતે ફીરદોશ ટાવરમાં રહેતા ૪૦ વર્ષીય સોહેલ અહમદ મનસુર જમીન દલાલીનું કામ કરે છે. સોહેલે રાંદેર પોલીસ સ્ટેશનમાં સજ્જુ કોઠારીની સામે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા પંદર વર્ષથી સોહેલ તેના મિત્ર ગુલામ કાદીર મુતુઝા શેખ ઉર્ફે કાદર કોથમીર સાથે ધંધા બાબતે વાતચીત કરતો હતો. ગુલામ કાદીરે તેની ઓફિસે વર્ષ ૨૦૧૭ ની સાલમાં સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમદ કોઠારી સાથે મુલાકાત કરાવી હતી.
ગુલામ કાદીરે કહ્યું હતું કે, આ વ્યક્તિની સમાજમાં સારી એવી ઓળખ છે. મોટી મોટી વાતો કરી તેની સાથે ઓળખાણ કરાવી હતી. સોહેલની સાજીદ કોઠારી સાથે તેની શ્રેયમ ચેમ્બર્સ અડાજણ પાટીયા ખાતે લાઈફ સ્ટાઈલ એસોસિએટ નામની ઓફીસે અવાર નવાર મુલાકાત થતી હતી. સોહેલે ધંધા માટે સાજીદ કોઠારી પાસેથી રોકડા એક કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. બીજા દિવસે બીજા એક કરોડ અને પછી પચાસ લાખ ઉછીના લીધા હતા. જેનું કોઈ લખાણ કર્યું નહોતુ. સોહેલે આ રૂપિયા જમીન અને મિલકતમાં રોકાણ કર્યા હતા. ઉછીના લીધેલા અઢી કરોડ રૂપિયા ટુકડે ટુકડે સજ્જુ કોઠારીને પરત ચુકવી દીધા હતા. પરંતુ તેનું લખાણ નહીં હોવાથી સજ્જુ કોઠારી રૂપિયાની માંગણી કરતો હતો.
ગત ૧ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ સજ્જુ કોઠારીએ સોહેલને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ અવાર નવાર ફોન કરી ગાળો આપી રૂપિયા પરત નહી આપે તો “ તેરા ફેસલા કર દુંગા, પહેલે મારા થા વો ભુલ ગયા ક્યાં, નહીં તો વાપસ યાદ કરાના પડેગા “ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સોહેલે અંતે રાંદેર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.