નડિયાદ: નડિયાદમાં મજુરીકામ કરી, પરત ઘરે જઈ રહેલી ૧૪ વર્ષીય સગીરાને ભગાડીને સુરત લઈ જઈ, તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારી, ગર્ભવતિ બનાવનાર યુવકને કોર્ટે કસુરવાર ઠેરવી, ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૬,૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. એક મહિલા તેની ૧૪ વર્ષીય પૌત્રી સાથે નડિયાદમાં મજુરીકામ અર્થે આવી હતી. મહિલાની સાથે સાથે તેમની પૌત્રી પણ મજુરીકામે જવા લાગી હતી. દરમિયાન સપ્ટેમ્બર-૨૦૨૦ માં ૧૪ વર્ષીય સગીરા મજુરીકામ પતાવી પરત ઘરે જઈ રહી હતી. તે વખતે રણજીત ઉર્ફે હરેશ ઉર્ફે સુકો ડાહ્યાભાઈ ગોહેલ (ઉં.વ ૨૩) આ સગીરાને ફોસલાવી, પટાવી ભગાડીને સુરત લઈ ગયો હતો. જ્યાં યુવકે સગીરા ઉપર અવારનવાર દૂષ્કર્મ ગુજાર્યું હતું.
બનાવના સાડા ત્રણ મહિના બાદ પોલીસે રણજીત અને ભોગ બનનાર સગીરાની સુરત ખાતેથી અટકાયત કરી હતી. જે બાદ સગીરાની મેડિકલ તપાસ કરાવતાં તે ગર્ભવતિ હોવાનું માલુમ પડ્યું હતું. સગીરાને અગિયાર અઠવાડિયા અને પાંચ દિવસનો ગર્ભ હતો. જેથી પોલીસે સગીરાની મંજુરી બાદ ગર્ભપાત કરાવવા બાબતનો રિપોર્ટ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં મુક્યો હતો. જે મંજુર થતાં ગર્ભપાત કરાવાયો હતો. ત્યારબાદ ભ્રુણ અને આરોપી રણજીતના ડી.એન.એ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ભ્રુણ સાથે આરોપીનો ડી.એન.એ મળતો હોવાનો એફ.એસ.એલ રિપોર્ટ આવ્યો હતો.
બીજી બાજુ સગીરાએ સી.આર.પી.સી ૧૬૪ મુજબ કોર્ટમાં આરોપી રણજીત વિરૂધ્ધ નિવેદન આપ્યું હતું. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ નડિયાદના સ્પે.ન્યાયાધીશ પી.પી પુરોહિતની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ધવલ આર બારોટે ૩૦ જેટલાં દસ્તાવેજી પુરાવા રજુ કર્યાં હતાં તેમજ આપણાં સમાજમાં સગીર દિકરીઓ ઉપર થતાં આવા પ્રકારના ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે ૧૪ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતિ બનાવનાર આરોપીને સખતમાં સખત સજા કરી, સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, તેવી ધારદાર દલીલો કરી હતી. જેને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપી રણજીત ઉર્ફે હરેશ ઉર્ફે સુકો ડાહ્યાભાઈ ગોહેલને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે. સાથે-સાથે રૂ.૬,૨૦,૦૦૦ નો દંડ પણ ફટકાર્યો છે.
કયાં ગુનામાં કેટલી સજા
ઈ.પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ઈ.પી.કો કલમ ૩૬૬ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા ઈ.પી.કો કલમ ૩૭૬(૩) ના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩,૦૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજા ॻ ધી પ્રોટેક્શનો ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ-૨૦૧૨ ની કલમ ૫(જે)(૨) તથા ૫(એલ) મુજબનું કૃત્ય કરી કલમ ૬ મુજબના સજાને પાત્ર ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૩,૦૦,૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા
દેદરડા ગામે સગીરા પર જાતિય અત્યાચાર કેસમાં 20 વર્ષની કેદ
બોરસદના દેદરડા ગામે રહેતા પરિણીત યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને 20 વર્ષ કેદની સજા ફટકારી હતી. બોરસદ તાલુકાના દેદરડા ગામે રહેતો ગોવિંદ ઉર્ફે ગોયો ગોપાલ સોલંકી પરિણીત હોવા છતાં તેણે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં 28મી સપ્ટેમ્બર,2020ની રાત્રિના સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો.
બાદમાં તેને વડોદરા અને અલગ અલગ ગામોમાં લઇ જઇ મજુરી કામે રાખી હતી અને અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપતાં તપાસ શરૂ થઇ હતી. જેના પગલે ગોવિંદ ગભરાયો હતો અને બે મહિના બાદ સગીરાને ગામમાં લાવી છોડી દીધી હતી. જોકે, સગીરા પોલીસ મથકે પહોંચી સઘળી હકિકત જણાવતાં પોલીસે ગોવિંદની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી. જ્યાં કોર્ટે 24 દસ્તાવેજી પુરાવા, 19 સાક્ષી અને સરકારી વકિલ અમી પંડ્યાની દલીલને ધ્યાનમાં રાખી ગોવિંદ ઉર્ફે ગોયો ગોપાલ સોલંકીને કસુરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સગીરાને રૂ.ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
કઇ કલમમાં કેટલી સજા ફટકારી ?
આઈપીસી 363 મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.એક હજારનો દંડ. જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા.
આઈપીસી 366 મુજબ સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. બે હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા.
પોક્સો એક્ટની કલમ -6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ. પાંચ હજારનો દંડ. જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા.
પત્ની સાથે બનતું ન હોવાનું નાટક કર્યુ હતું
દેદરડાનો ગોવિંદ ઉર્ફે ગોયો અવાર નવાર સગીરાના સંપર્કમાં આવતો હતો તે સમયે તેણે સગીરાને પરિણીતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ પત્ની સાથે બનતું ન હોવાનું નાટક કરી તેણે પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને ભગાડી જઇ વડોદરા સહિત અલગ અલગ શહેર – ગામમાં લઇ જઇ મજુરી કરાવી હતી.