Business

રશિયા-યુક્રેન યુદ્ધથી શેરબજાર સ્તબ્ધ: સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું, આ સેક્ટરના શેર્સની કિંમતમાં ભારે ઘટાડો

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (ukrainewar) શરૂ થયાને આજે સાત દિવસ થયા છે. રશિયાએ વધુ આક્રમક બનતા યુક્રેનના શહેરો પર કબ્જો કરવા માંડ્યો છે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી છે. તેલ અને કોમોડિટીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેનાથી વિશ્વભરના બજારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. ભારતીય શેરબજારોમાં (BSE) આજે બુધવારે સવારે પ્રારંભિક વેપારમાં તેની અસર દેખાઈ રહી છે અને તેમાં જોરદાર ઘટાડો (Down) જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યે શેરબજાર 1173 અંક તૂટ્યું હતું.

આ અગાઉ બજાર પ્રિ ઓપન સેશનમાં જ 600 અંક તૂટી ગયું હતું. બજાર શરૂ થયા બાદ વધુ તૂટ્યું હતું. બજાર ખુલ્યું તેની ગણતરીની મિનીટોમાં જ એ સ્પષ્ટ થઈ ગયું કે આજે બજાર આજે નીચલી સર્કિટ લગાવશે. સવારે 10.10 વાગ્યે સેન્સેક્સ 840.12 પોઈન્ટ અથવા 1.49% ઘટીને 55,407.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી 194.04 પોઈન્ટ અથવા 1.16 ટકાના ઘટાડા સાથે 16,599 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, એનટીપીસી, ટેક એમ, એમએન્ડએમ અને રિલાયન્સના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ICICI બેન્ક, મારુતિ, એશિયન પેઇન્ટ્સ, HDFC ટ્વિન્સ, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્કમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ શેર્સની હાલત સૌથી ખરાબ
આજે આઈટી, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર્સના શેર્સમાં રોકાણકારોને ખૂબ મોટું નુકસાન થયું છે. સેન્સેક્સની કંપનીઓની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાયનાન્સ, એક્સિસ બેન્ક, એસબીઆઈ, બજાજ, ફિનસર્વ જેવા બેન્કિંગ અને ફાયનાન્સિયલ શેર્સમાં નુકસાન થયું છે. આઈટી કંપનીઓમાં ટીસીએસ, ઈન્ફોસિસ અને વિપ્રોના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. માત્ર મહિન્દ્રાના શેર્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

કયા શેર્સ વધ્યા અને કયા ઘટ્યા?
કોલ ઈન્ડિયા, ઓએનજીસી, હિન્દાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના શેરોમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો, જ્યારે બજાજ ઓટોમાં સૌથી વધુ ચાર ટકાનો ઘટાડો થયો હતો. વ્યાપક બજારોમાં, BSE મિડકેપ અને સ્મોલકેપમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક, ફાઈનાન્સિયલ અને ઓટો ઈન્ડેક્સ એકથી બે ટકા ઘટ્યા છે. બીજી તરફ નિફ્ટી મેટલ્સ અને ઓઈલ એન્ડ ગેસ 1.5-3 ટકા વધ્યા છે. નિફ્ટી આઈટી ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે.

Most Popular

To Top