રાજયમાં હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. એપ્રિલમાં 14,000 કેસો આવતા હતાં તે આજે ઘટીને 2500 સુધી પહોંચી ગયા છે, જો કે હાલમાં કોરોના ખત્મ થઈ ગયો છે તેમ ના કહેવાય. રાજય સરકાર ત્રીજા વેવ માટે તૈયારી કરી રહી છે, તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
અમદાવાદમાં સોલા સાયન્સ સિટી ખાતે એકવેરિયમ પાર્કની મુલાકાત બાદ રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વેકિસનેશન માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 18થી 44 વર્ષ માટે હાલમાં 1 લાખ ડોઝ આપવામા આવી રહ્યાં છે.આ વેકિસન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં રૂા. 1 હજાર લઈને વેકિસન આપવામાં આવે છે તે મુદ્દે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે વેકિસન બનાવતી કંપની સીધી જ હોસ્પિટલોને કેન્દ્રની નીતિ મુજબ સીધી રસી આપી રહી છે.એટલે જેને નાણાં ખર્ચીને વેકિસન લેવી છે તેમના માટે આ વ્યવસ્થા ચાલુ છે.
અમદાવાદમાં શેલ્બી, એપોલો, કેડી અને સુરતમાં મહાવીર હોસ્પિટલને કંપનીઓએ વેકિસનનો જથ્થો આપ્યો છે. જેમને જરૂર હોય તે ચાર્જ આપીને વેકિસન લઈ શકે છે.તેમણે કહ્યું હતું કે, રાજય સરકાર થર્ડ વેવ માટે તૈયારીઓ કરી રહી છે. સરકાર વધારાના વોર્ડ, બાળકોને જરૂર પડયે સારવારની તૈયારીઓ કરવામાં આવી છે.