રાજકોટ(Rajkot): ક્ષત્રિય (Kshtriya) સમાજના વિરોધ (Protest) વચ્ચે આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રુપાલાએ (Parsottam Rupala) ઉમેદવારી પત્રક ભર્યું છે. વિજય મુહૂર્ત પહેલાં રૂપાલાએ 11.15થી 11.30ના ચોઘડિયામાં ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરતી વખતે રુપાલા સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી (ExCM Vijay Rupani) સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હતા.
પત્રક ભરવા પહેલાં રૂપાલાએ રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિરે ભગવાન શંકરના દર્શન કર્યા હતા. ફોર્મ ભર્યા બાદ રુપાલાએ રેલી કાઢી હતી. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રેલી પહેલાં જ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. ઢોલ નગારાના તાલે સંસ્કૃતિની એક ઝલક બતાવવા પુરુષોત્તમ રૂપાલાની રેલી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા.
ત્યાર બાદ રૂપાલાએ રાજકોટના બહુમાળી ચોક ખાતે સભાને સંબોધી હતી. સભામાં રુપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તે ઉપરાંત સભા સ્થળે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, મેયર નયના પેઢડિયા હાજર રહ્યાં હતા.
રૂપાલાએ રામ રામ.. સાથે સ્પીચ શરૂ કરી હતી. રૂપાલાએ કહ્યું, ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરુર છે. ભાજપ જે વચન આપે છે તે પુરા કરે છે. જે આવ્યા છે તે તો મત આપશે જ પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. આજે જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.
દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમાં શું કરવાનું તેનું પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ.