આણંદ: આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “હર ઘર તિરંગા”નું આહવાન કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં હર ઘર તિરંગાને બહોળો જન પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંતર્ગત શુક્રવારના રોજ આણંદ ખાતે જમિયત-એ-ઉલમા-એ-હિન્દ આણંદ જિલ્લો તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “રન ફોર તિરંગા” રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જમિયત-એ-ઉલમા-એ-હિન્દ આણંદ જિલ્લો તથા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત રન ફોર તિરંગા રેલીમાં કલેકટર મનોજ દક્ષિણી ભાગ લેવા આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા ઉસ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીને પ્રસ્થાન કરાવતા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 13મીથી 15મી સુધી હર ઘર તિરંગાનું આહવાન કર્યું છે. આ આહવાનની મુહિમને આણંદ જિલ્લાના સમગ્ર પ્રજાજનો દ્વારા વધાવી લેવામાં આવી છે. ખાસ કરીને આણંદ જિલ્લાના સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે.
દેશની આન, બાન અને શાનને તિરંગા દ્વારા વધાવી રહ્યા છે. તેજ દર્શાવે છે કે, દેશના તમામ વર્ગો તરફથી હર ઘર તિરંગાને બહોળો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે તેટલું જ નહીં પણ તેના કારણે કોમી એકતા-અખંડિતતાના દર્શન થઇ રહ્યા છે. આઝાદીના સમયે જે બિરાદરોએ પોતાનું બલિદાન આપ્યું હતું. તે તમામને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન એમ.જી ગુજરાતીએ સમસ્ત મુસ્લિમ સમાજ આણંદ દ્વારા તિરંગા રેલીનું આયોજન કર્યું હતું. તેઓએ સૌ નાગરિકોને 13મીથી 15 ઘરે તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવીને આ મહા અભિયાનને સફળ બનાવવાની અપીલ કરી હતી. આ રેલી ગુજરાત ચોકથી નીકળી જુના બસ સ્ટેન્ડ, સરકારી દવાખાનું થઈ ગાંધીજીના સ્ટેચ્યુએ પૂર્ણ થઈ હતી. આ રેલીમાં આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.