National

‘RSS પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ’, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આવું કેમ કહ્યું…?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજ રોજ તા. 31 ઓક્ટોબર શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પરના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો.

દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ખડગેએ જણાવ્યું કે તેમના અંગત મતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કારણ કે દેશની મોટાભાગની કાયદો-વ્યવસ્થાની સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટી (BJP) અને RSS સાથે સંબંધિત છે.

ખડગેનો આક્ષેપ: RSS દેશના અનેક તણાવ માટે જવાબદાર
ખડગેએ જણાવ્યું કે “RSS અને BJP દેશમાં વિવાદો અને તણાવ ઉભા કરે છે. મહાત્મા ગાંધીની હત્યા પછી પણ સરદાર પટેલે RSSની ટીકા કરી હતી.” તેમણે 1948માં સરદાર પટેલ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીને લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો. જેમાં પટેલે સ્પષ્ટ રીતે લખ્યું હતું કે RSSએ એવું વાતાવરણ ઊભું કર્યું. જેના કારણે ગાંધીજીની હત્યા જેવી દુર્ઘટના બની શકી.

“લોખંડી પુરુષ” અને “લોખંડી મહિલા”ને શ્રદ્ધાંજલિ
ખડગેએ યાદ અપાવ્યું કે તા.31 ઓક્ટોબરનો દિવસ દેશ માટે વિશેષ છે. કારણ કે આજે દેશ “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને “લોખંડી મહિલા” પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ઉજવી રહ્યો છે. બંને નેતાઓએ રાષ્ટ્રની એકતા અને અખંડતાને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

નેહરુ-પટેલના સંબંધો પર ખડગે શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કહ્યું કે ભાજપ હંમેશા નેહરુ અને પટેલ વચ્ચે મતભેદ બતાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ હકીકતમાં બંને એકબીજા માટે ઊંડો આદર ધરાવતા હતા. “નેહરુએ પટેલના રાષ્ટ્ર એકીકરણના યોગદાનની પ્રશંસા કરી હતી અને પટેલે નેહરુને એક આદર્શ નેતા તરીકે ગણાવ્યા હતા.

પીએમ મોદીના નિવેદન પર વળતો પ્રહાર
વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ કાશ્મીરને ભારતમાં જોડવા માંગતા હતા પરંતુ નેહરુએ તેને અટકાવ્યું. આ અંગે ખડગેએ જવાબ આપ્યો કે મોદી ઇતિહાસને તોડી-મરોડી રજૂ કરી રહ્યા છે અને કોંગ્રેસ પર ખોટા આક્ષેપ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશને આજની વિભાજનકારી રાજનીતિથી દૂર રહેવાની જરૂર છે.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે RSS અને ભાજપ સરકાર આપેલા આ નિવેદન પછી રાજકીય માહોલમાં ગરમાવો ઊભો થયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નિવેદન સામે શું પગલાં લેશે.

Most Popular

To Top