રોમાનિયાના કાંઠા (Romania Covid Hospital Fire 7 Dead) પર આવેલા શહેર કોન્સ્તાંતાની એક હોસ્પિટલમાં શુક્રવારની સવારે આગ લાગતા ઓછામાં ઓછા 7 કોવિડ-19ના દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં, એમ વહીવટીતંત્રએ કહ્યું હતું. સમસ્ત મૃતકો કોન્સ્તાંતાની હોસ્પિટલમાં કોવિડ-19 માટે આઈસીયુમાં દાખલ દર્દીઓ પૈકી હતાં, એમ આપદા પ્રબંધનના અધિકારીએ જણાવ્યું હતું.
રોમાનિયાના આપદા પ્રબંધનના અધિકારીએ જણાવ્યું હતું, કોન્સ્તાંતાની ઈન્ફેક્શીયસ ડીઝીસ હોસ્પિટલમાંથી સમસ્ત દર્દીઓને કાઢી લેવાયા હતા અને બપોર સુધી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. વહીવટીતંત્રએ જણાવ્યું હતું હોસ્પિટલની મેડિકલ યુનિટમાં 113 દર્દીઓ હતાં જે પૈકી 10 આઈસીયુમાં દાખલ હતાં. આગ પર બપોર સુધી કાબૂ મેળવી લેવાયું હતું જો કે આગનું કારણ હજી સ્પષ્ટ નથી થયું.
પ્રમુખ ક્લોઝ ઈઓહન્નીસે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું, રોમાનિયા સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા કરવાના આધારભૂત કાર્યમાં નિષ્ફળ ગઈ છે. આ અકસ્માત એ વાતની પુષ્ટી કરે છે કે રોમાનિયાના આરોગ્ય માળખામાં કમી છે. કોવિડ-19ના કેસોમાં ઝડપથી થઈ રહેલા વધારાના કારણે રોમાનિયાની હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ગુરુવારે રોમાનિયામાં અત્યાર સુધીના સૌથી વધુ 12,032 નવા કેસ નોંધાયા હતાં.
રોમાનિયા યુરોપિયન યુનિયનનો દેશ છે જેની વસતી 19 મિલિયન છે, અહીં છેલ્લા એક વર્ષમાં 2 હોસ્પિટલોમાં ઘાતક આગ લાગી હતી જેણે દેશના જર્જરીત થઈ રહેલા હોસ્પિટલ માળખા પર ચિંતા ઉભી કરી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પિયાત્રા નેમ્ટ શહેરમાં કોવિડ-19 માટેના આઈસીયુમાં આગ લાગતા 10 લોકોનાં મૃત્યુ થયાં હતાં. બુચારેસ્ટના મેતઈ બાલ્સ હોસ્પિટલમાં જાન્યુઆરી મહિનામાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મેતઈ બાલ્સની આગ બાદ પ્રમુખ ક્લોઝ ઈઓહન્નીસે તાકીદે સુધારાઓની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું આ પ્રકારના દુ:ખદ બનાવ ફરીથી બનવા ન જોઈએ.