વડોદરા: વડોદરા તાલુકાના 42 ગામોના સરપંચ સહિત ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણીની મતગણતરી મંગળવારે દશરથ ગામની શાળામાં યોજાયું હતું. સવારે 9 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દશરથ ગામમાં વડોદરાની 39 ગ્રામ પંચાયતોના સરપંચ સહિતના ઉમેદવારો, સભાસદો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાંઉમટી પડ્યા હતાં. જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ વિજયી ઉમેદવારોઅને તેમનાં સમર્થકો જીતને વધાવતા ફુલહાર પહેરાવીને મો મીઠું કરાવતા નજરે પડતા હતા. વડોદરાના દશરથ ગામે યોજાયેલ મતગણત્રી માટે ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ, 65 આરોગ્ય કર્મીઓ સહિત 164 સેવકો જોડાયા હતા. સરપંચ સહિત સભાસદોની હાથ ધરાયેલ મતગણતરી માટે કુલ 136 ટેબલ રાખવામાં આવ્યા હતા.
મત ગણતરી કેન્દ્રમાં ઉમેદવારો , એજન્ટો અને મીડિયા કર્મીઓ સિવાય કોઈ ટેકેદારને પ્રવેશવા પર મનાઈ હતી તેથી મત ગણતરી કેન્દ્રખાતે ઓછી ભીડ જોવા મળતી હતી. રસ્તા પાસે ઉમેદવારોના ટેકેદારો અને પ્રશંસકોના ટોળા જોવા મળતા હતા જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ તેમ જીતેલા ઉમેદવારોના ચહેરા પર જીતની ખુશી જોવા મળતી હતી. બહાર તેમના સમર્થકો મોટી સંખ્યામાં હર્ષોઉલાસથી વિજયની વધાવી રહ્યા હતા. વડોદરા તાલુકાના તલસટ ગામમાં છેલ્લી પાંચ ટર્મથી એટલેકે 25 વર્ષથી સતત ચૂંટાતા આવેલા સુખદેવ ઠાકોરને આ વખતે તેમના હરીફ ઉમેદવાર નવનીત ઠાકોર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તલસટ ગ્રામ પંચાયતના લોકોએ આ વખતે ચૂંટણી પહેલાંજ પરિવર્તન લાવવાનો નિર્ધાર કરી લીધો હતો.