સુરત: ગુજરાત સરકારે હોટેલ-રેસ્ટોરન્ટ (hotel restaurant)ના સંચાલકોને 11 જૂનથી 50 ટકા બેઠકો પર લોકોને બેસાડી ભોજન પીરસવાની છૂટ આપી હોવા છતાં સુરત (Surat)માં આવેલી 75 ટકા હોટેલ-રેસ્ટોરન્ટ બંધ (Close) રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને નેપાળના કારીગરો (workers) અને સેફ (chef) સુરત નહીં આવતા મોટાભાગની હોટેલ અને રેસ્ટોરન્ટ શરૂ થઇ શકી નથી. કારીગરોની અછત અને લાખો રૂપિયાના ઊંચા ભાડા ચૂકવવાની હોટેલિયર્સની હિંમત નહીં હોવાના લીધે આ સમસ્યા ઉદ્દભવી છે.
કોરોનાએ સુરતમાં પગપેસારો કર્યો તે પહેલાં સુરતની 800 સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3000 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ હતી પરંતુ કોરોના પછી 400 હોટેલ રેસ્ટોરન્ટ રહી ગઇ છે એ પૈકી 75 જ રેસ્ટોરન્ટ ખુલતાં આ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓ ચિંતામાં મુકાયા છે. સાઉથ ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના ઉપપ્રમુખ સનત રેલીયાએ જણાવ્યું હતુ કે, મિનિ લોકડાઉન દરમિયાન જે રેસ્ટોરન્ટ ચાલકોએ ટેક અવે-હોમ ડિલીવરીની સર્વિસ ચાલુ રાખી હતી, તેઓએ હાલ ડાઈનિંગ ટેબલ મુક્યા છે. આવી રેસ્ટોરન્ટ્સની સંખ્યા માત્ર 25 ટકા જ છે.
100 જેટલી રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ પડવાની દહેશત
સનત રેલિયાએ જણાવ્યું હતું કે સુરતમાં 75 ટકા મોટી રેસ્ટોરન્ટ્સ કે જેની મિલકતના ભાડા લાખોમાં છે, તે પૈકી મોટા ભાગની ખુલી નથી. રેસ્ટોરન્ટ્સ નહીં ખુલવા માટે બે કારણ જવાબદાર છે. એક કારીગરોની અછત અને બીજું ઊંચા ભાડા, મેઈન્ટેનન્સ, પગાર, જીએસટી સહિતના કરનું ભારણ. આ સમસ્યાઓના લીધે હાલ રેસ્ટોરન્ટ્સ ખૂલે તેવી શક્યતાઓ ઓછી છે. ગયા વર્ષે 3 મહિનાના લોકડાઉન બાદ શહેરની 800 પૈકી 400 રેસ્ટોરન્ટના શટર ખૂલ્યા જ નહોતા. કાયમી તાળાં લાગી ગયા હતા.
દિવાળીથી માંડ રેસ્ટોરન્ટ શરૂ થતા 400 રેસ્ટોરન્ટ માલિકો ટકી જશે તેમ લાગતું હતું ત્યાં એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેરે પડતાં પર પાટું માર્યું છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે વધુ 100 હોટલ-રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ થઇ જશે.