સુરત: નોટબંધીના ચાર વર્ષ વીતી ગયા બાદ પણ નોટબંધી સંબંઘિત કેટલીક માહિતીઓ મંગાવાઇ રહી છે. હાલમાંજ ફરીથી સરકારના એક નિર્ણયને લીધે બેંકોના મેનેજમેન્ટ ચિંતામાં ડૂબી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( rbi) દ્વારા 8 જૂનના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવવાવમાં આવ્યું છે કે તમામ બેંકોએ બ્રાન્ચ અને ચેસ્ટ કરન્સીના તા. 8 નવેમ્બર 2016થી તા. 31 ડિસેમ્બર 2016 સુધીના સીસીટીવી ( cctv) ફૂટેજ સ્ટોર કરી રાખવા પડશે. જેને લઇ બેંકોના મેનેજમેન્ટની ચિંતા વધી છે કે ચાર વર્ષ પછી સરકારને વીડિયો ફૂટેજની શુ જરૂર છે?
ચાર વર્ષ પહેલા 2016માં નોટબંધી લાગૂ કરવામાં આવી હતી. તે સમયે લોકોએ બેનંબરની 500-1000ની નોટોને બદલવા માટે નવા નવા ઉપાયો અપનાવ્યા હતા. કેટલાકે બિલ્ડર્સને આપ્યા હતા તો કેટલાકે બેંકોમાં જમા કરાવી દીધા હતા. તે દરમિયાન કેટલાક બેંકોના કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. હાલ પણ ડીઆરઆઇ ઈન્કમટેક્સ, સીબીઆઈ, ઈડી, સહિતની એજન્સીઓમાં અનેક કેસ ચાલી રહ્યાં છે. સુરતમાં આઇટી વિભાગ દ્વારા ફાયનાન્સર કિશોર ભજીયાવાલાને ત્યા સર્ચ કરવામાં આવી હતી . જેમાં સુરત પીપલ્સ કો.ઓ. બેન્કની ઉધના બ્રાન્ચના લોકરમાંથી બેગ લઈને જતાં કિશોર ભજીયાવાલાના પુત્રને આઇટી ડિપાર્ટમેન્ટે બેંકની બહાર પકડી લાખો રૂપિયા જપ્ત કર્યા હતા. તે ઉપરાંત દેશભરમાં કેટલાક કેસો થયા હતા. ત્યારે કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓ દ્વારા બેંકોના સીસીટીવી ફૂટેજ કબ્જે લેવાયા હતા.
રિઝર્વ બેન્કે પણ બેંકોને તેમની તમામ બ્રાન્ચ અને ચેસ્ટ કરન્સીના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા હતા. ચાર વર્ષ પછી હવે ફરી એકવાર રિઝર્વ બેન્કે સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાનો પરિપત્ર જાહેર કરતા બેંકિંગ ક્ષેત્રે કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે. સુરત પીપલ્સ કો.ઓ. બેન્કના જનરલ મેનેજર ડો. જતીન નાયકે કહ્યું કે, સાડા ચાર વર્ષ બાદ તે ફૂટેજ ફરી માંગવાનું કારણ સમજાતુ નથી, પરંતુ રિઝર્વ બેંક નો આદેશ છે. ફૂટેજ સાચવ્યા નહીં હોય તે બેંકો સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક છેતરપિંડી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. પાછલા દિવસોમાં બેંકોમાં લોન માટે રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કેટલાક ઓડિટ રિપોર્ટમાં ગડબડી હતી.તે ઉપરાંત ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં કરનારી કેટલીક બોગસ પેઢીઓ પણ ખરીદ-વેચાણ સહિતના કેટલાક ખોટા સર્ટિફિકેટો સીએ પાસેથી મેળવી આર્થિક ગુનાઓ કરે છે. આ તમામ બાબતો સરકારના ધ્યાને આવતા સરકાર દ્વારા સીએની રાષ્ટ્રીય સંસ્થાન આઇસીએઆઇને પણ ટકોર કરવામાં આવી હતી.જોકે હવે સરકાર પોતેજ છેતરપિંડી કરનારા અને ખોટા સર્ટિફિકેટ ઇશ્યુ કરનારા સીએ સામે કાર્યવાહી કરશે. અગાઉ પણ સુરતના કેટલાક કેસોમાં સીએ દ્વારા ખોટા બિલો ઉભા કરાયા હોવાનું બહાર આવ્યુ હતુ