Business

‘આરણ્યક’માં રવિના ટંડન સાથે કામ કરનાર પરમબ્રત ચટ્ટોપાધ્યાય કહે છે હિન્દી ફિલ્મોમાં સ્ટાર બનવાના મારા કોઇ ચાન્સ નથી

બંગાળથી આવતા અભિનેતા કયારેક જ વિશ્વજીત કે મિથુન ચક્રવર્તી જેવા સ્ટાર બની શકે છે. જો કે ગુજરાતી યા મરાઠી અભિનેતાઓનું પણ એવું જ છે. હિન્દી ફિલ્મોમાં પંજાબી અને ખાન-પઠાણ જેટલા ચાલે તેટલા બીજા નથી ચાલતા. આમ  છતાં પ્રયત્ન તો કરતા રહેવું જોઇએ અને પરમબ્રત ચટ્ટોપાધ્યાય અત્યારે એ જ કરી રહ્યો છે. સુજોય ઘોષની ‘કહાની’માં લીડ વિદ્યાબાલન હતી તો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર સત્યોકી રાણાની ભૂમિકા પરમબ્રતે ભજવેલી. અનુષ્કા શર્મા અભિનીત ‘પરી’ જોઇ હોય તો તેમાં અનુષ્કા રુકસાનાની ભૂમિકામાં અને પરમબ્રત અર્ણબની ભૂમિકામાં હતો. હા, એ ફિલ્મનો દિગ્દર્શક પણ બંગાળી જ હતો. મતલબ કે હજુ હિન્દી ફિલ્મના મુંબઇસ્થિત દિગ્દર્શકો પરમબ્રતને સ્થાન આપવા તૈયાર નથી. નાની નાની સફળતાથી હિન્દી ફિલ્મમાં સ્ટાર નથી બનાતું. કાંઇક મોટું એચિવ કરવું પડે છે. તે ‘રામપ્રસાદકી તેરવીં’ માં પણ રામપ્રસાદ (નસીરુદ્દીન શાહ) ના યુવાન પુત્ર નિશાંતની ભૂમિકામાં હતા. અનુષ્કા શર્માએ જયારે ‘બુલબુલ’ ફિલ્મ બનાવી તો તેમાં લોકલ ડોકટર સુદીપની ભૂમિકા પરમબ્રતે ભજવેલી. ‘આરણ્યક’ નામની વેબસિરીઝમાં રવિના ટંડન પર બધાની નજર રહે એ સ્વાભાવિક છે પણ પરમબ્રતે તેમાં અંગદ મલિકની ભૂમિકા ભજવી છે.

પરમબ્રતે બંગાળી ટી.વી. અને ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે અને સત્યજીત રે ના પુત્ર સંદીપ રે ની ફિલ્મોમાં તે પ્રશંસા પણ પામ્યો છે. એટલું જ નહીં ઋતુપર્ણો સેનગુપ્તા અને રુદ્રનીલ ઘોષ અભિનીત ‘જિયો કાકા’ નામની ફિલ્મનો દિગ્દર્શક પણ તે હતો અને પછી ‘હવા બોડોલ’ નામની ફિલ્મ બનાવી તેમાં તે સ્વયં હીરો હતો અને રાઇમા સેન હીરોઇન હતી. છેલ્લાં વીસેક વર્ષથી તે બંગાળી ફિલ્મોમાં કામ કરે છે, પણ બંગાળી ફિલ્મોની સફળતા હિન્દી ફિલ્મોના પ્રેક્ષકોમાં ચર્ચાતી નથી. સાઉથની ફિલ્મો હિન્દીમાં ડબીંગ સાથે આવી જાય એવું બંગાળીનું થતું નથી એટલે બંગાળની  ફિલ્મો ને તેના કળાકારો બંગાળમાં જ રહી જાય છે. પરમબ્રત એકટર નહીં દિગ્દર્શક તરીકે પણ ખૂબ નામ કમાયો છે અને આઠેક ફિલ્મ ઉપરાંત ‘ફેલુદા’ અને ‘શરતે આજ’ જેવી ટી.વી. શ્રેણીનું ય દિગ્દર્શન કર્યું છે.

હિન્દી ફિલ્મમાં પોતાનું ભવિષ્ય નથી તેવું તેણે ‘કહાની’ ફિલ્મમાં તક મળી ત્યારે જ કબુલ્યું હતું. હકીકતે પરમબ્રતની બીજી જ ફિલ્મ ‘ભાલો થેલો’માં વિદ્યાબાલને કામ કરેલું અને વિદ્યાની તે પહેલી જ ફિલ્મ હતી. વિદ્યા સમય જતાં હિન્દી ફિલ્મની મોટી એકટ્રેસ બની ગઇ અને પરમબ્રત બંગાળીમાં જ કામ કરતો રહ્યો. આમ તો પરમબ્રત મુંબઇમાં પણ સંબંધ શોધી શકે તેમ હતો, કારણ કે ‘મધુમતી’ ફિલ્મ લખનાર ઋત્વિક ઘટક કે જે પછી બંગાળમાં સુખ્યાત દિગ્દર્શક તરીકે સ્થાન પામ્યા તે તેના નાના છે. પણ ફિલ્મમાં સગપણ નહીં સફળતા ચાલે છે. બાકી ફિલ્મો અને ટી.વી. શ્રેણી સહિત તેણે જે કામ કર્યું છે તેની સંખ્યા હવે ૧૦૦ થવામાં છે. અત્યારે પણ તે સાતેક બંગાળી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. રવિના ટંડન સાથે ‘આરણ્યક‘માં કામ કરવાનો તેનો અનુભવ સારો રહ્યો છે. એ સિરીઝ સાથે રમેશ સીપ્પી, સિધ્ધાર્થ રોય કપૂર અને રોહન સીપ્પી સંકળાયેલા હોવાથી મઝા પણ આવી છે. હિન્દી બોલવામાં પણ તે કમ્ફર્ટ અનુભવે છે કારણ કે કોલકાતામાં બંગાળીની સાથે હિન્દી પણ બોલવું જ પડે છે. તેણે વધુ હિન્દી ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કરવું છે પણ બંગાળ છોડીને આવવા માંગતો નથી કારણ કે ત્યાં તે ડિમાંડમાં છે.

Most Popular

To Top