Madhya Gujarat

પેટલાદમાં ભાજપ શાસિત પાલિકાનો વહિવટ રામ ભરોસે!

પેટલાદ : આણંદ જીલ્લામાં પેટલાદ નગરપાલિકા ‘બ’ વર્ગની છે. આ પાલિકામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન વહિવટ સદંતર ખાડે ગયો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. પાલિકાના મહત્વપૂર્ણ તમામ વિભાગો હાલ અધિકારી વિહોણાં છે. પાલિકામાં કેટલાય કર્મચારીઓ મહત્વની જગ્યાઓ ઉપરથી નિવૃત્ત થઈ ગયા બાદ લાંબા સમયથી એ જગ્યાઓ ખાલી રાખી અથવા એ જગ્યાઓ કરાર આધારિત પણ નહિ ભરી વર્તમાન સત્તાધિશોએ અનઘડ વહિવટનો નમૂનો પ્રદર્શિત કર્યો છે. જેને કારણે દિવસ દરમ્યાન મહત્વના વિભાગોમાં નગરજનોના કામ ખોરંભે પડી રહ્યા હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારના નગરજનોની પ્રાથમિક જરૂરિયાત પાણી, સફાઈ, ગટર, બાંધકામ વગેરે હોય છે. પેટલાદ નગરપાલિકાની વાત કરીએ તો સૌપ્રથમ પ્રાથમિક જરૂરિયાત એવો પાણી પુરવઠો પુરો પાડતું વોટર વર્કસ હાલ એન્જિનીયર વિહોણું છે. થોડા વર્ષ અગાઉ વોટર વર્કસમાં મહેશ પટેલ મિકેનીકલ આસીસ્ટન્ટ તરીકે કાયમી ધોરણે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ વિદેશ જતા તેઓની જગ્યાએ આ વિભાગનો ચાર્જ હાર્દિક પટેલને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ પણ વિદેશ જતાં છેલ્લાં ઘણાં સમયથી આ મહત્વની જગ્યા ખાલી છે. પાલિકા દ્વારા શહેરની સફાઈ સમયસર અને યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે. પરંતુ સેનેટરી વિભાગમાં છેલ્લાં ઘણાં લાંબા સમયથી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર જેવી ખૂબ જ મહત્વની જગ્યાઓ ખાલી છે.

આ ઉપરાંત સેનેટરી વિભાગની મંજૂર મહેકમ મુજબ સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની ત્રણ પૈકી માત્ર એક જ જગ્યા ઉપર હર્ષદ ઉર્ફે પુનમ પટેલ ફરજ બજાવે છે. જ્યારે સેનેટરી વિભાગમાં સફાઈ કામદારોનું મંજૂર મહેકમ 104 હોવા છતાં માત્ર 42 જેટલા સફાઈ કામદારો હાલ કાયમી ધોરણે ફરજ બજાવી રહ્યા છે. પરંતુ સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સફાઈ કામદારોની ખાલી પડતી 62 જગ્યાઓ ભરવાને બદલે હંગામી ધોરણે રોજમદાર કે ફિક્સ વેતન હેઠળ સોથી વધુ સફાઈ કામદારો હાલ પાલિકામાં સફાઈની ફરજ બજાવી રહ્યા છે. તો પાલિકાના સત્તાધિશો શા માટે કાયમી જગ્યાઓ ખાલી રાખી હંગામી કે રોજમદાર કે ફિક્સ વેતન કે કરાર આધારિત કર્મચારીઓ રાખી રહ્યા છે ? પેટલાદ પાલિકામાં અન્ય મહત્વનો વિભાગ ડ્રેનેજ છે.

આ ગટર વિભાગમાં વર્ષોથી લાઈન ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા મફતભાઈ પટેલ ગતવર્ષે નિવૃત્ત થયા હતા. પરંતુ આજદિન સુધી આ વિભાગમાં આ મહત્વની જગ્યા ઉપર કોઈ જ અનુભવી કર્મચારીને કાયમી જગ્યા ઉપર નિમણૂંક કરવામાં આવ્યા નથી. આ વિભાગમાં ક્લાર્ક નિરજભાઈ જવાબદારી સંભાળે છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી નિરજભાઈ ઉપર સમગ્ર શહેરની ગટર વ્યવસ્થા જોવાનો કાર્યભાર સોંપી દિધો છે. જેથી વારંવાર શહેરમાં ગટરો ઉભરાવવાની અનેક ફરિયાદો પાલિકાના દફતરે નોંધાય છે. પેટલાદ પાલિકામાં બાંધકામ સહિત અન્ય બીજા વિભાગોની પણ જવાબદારી સંભાળનાર ઓવર્શિયર જીતેશ પટેલ કાયમી એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે.

જેઓ રજાઓ મૂકી હાલ વિદેશ ગયા છે. જેથી બાંધકામ જેવા મહત્વના વિભાગ માટે જીતેશ પટેલની જગ્યાએ અગિયાર માસના કરાર આધારિત કર્મચારી રાખવા ગત સામાન્ય સભામાં ઠરાવ થયો હતો. છતાં આજેપણ એ ઠરાવ માત્ર કાગળ ઉપર રહી જતા હાલ બાંધકામ વિભાગ પણ અધિકારી વિહોણો છે. પેટલાદ પાલિકાના સૌથી મહત્વ ધરાવતા આ વિભાગો અધિકારી સિવાય ખાલીખમ જોવા મળી રહ્યા છે. જેથી વર્તમાન પાલિકા પ્રમુખ સહિત સત્તાધિશોના અનઘડ વહીવટને કારણે ભાજપ શાસિત પેટલાદ નગરપાલિકાનો વહીવટ હાલ રામ ભરોસે ચાલી રહ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

મંજુર મહેકમમાં 245માંથી 156 જગ્યા ખાલી
પેટલાદ નગરપાલિકાનો વહીવટ જોઈએ તો મંજૂર મહેકમ 304નું છે. જેમાં વીસ ટકા કપાત કરતાં ભરવાપાત્ર જગ્યાઓ 245 થાય. આ પૈકી હાલ માત્ર 89 જગ્યાઓ ભરેલી છે. તેમાંય આ 89 પૈકી 42 તો કાયમી સફાઈ કામદાર છે. એટલે કે હાલ 245માંથી 156 જેટલી જગ્યાઓ ખાલી છે. છતાં પાલિકાનું મહેકમ ખરેખર 48 ટકાથી ઓછું હોવું જોઈએ, જેના બદલે લગભગ 65 ટકાથી પણ વધુ હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરજનોના ભરવામાં આવતા વેરાને કારણે સ્વભંડોળને મોટી આવક થતી હોય છે. પરંતુ કાયમીના બદલે હંગામી કર્મચારીઓ રાખી તેઓના પગાર પાછળ વર્ષે કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે.

બે દાયકાથી વામણો વિરોધપક્ષ
પેટલાદ પાલિકામાં છેલ્લા વીસેક વર્ષથી વિરોધપક્ષ પણ વામણો જ સાબિત થયો છે. તેમાંય વિપક્ષના મોટાભાગના સભ્યો સામાન્ય સભામાં જ હાજર નથી રહેતા તો પ્રજાના કામનું તો કહેવું જ શું ? ઉપરાંત જે વિરોધપક્ષમાં બે વર્ષ અગાઉ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષના સભ્યો હતા, તે પૈકી હવે કોંગ્રેસ અને અપક્ષના સભ્યોનો વિપક્ષ છે. આમ વિપક્ષના સભ્યો પોતાના અસ્તિત્વ માટે કસરત કરી રહ્યા હોય ત્યાં તેઓ પ્રજા વતી સત્તાધિશો સામે ક્યાં લડી શકવાના છે ? આવા અનેક પ્રશ્નો નગરજનોમાં ઉઠવા પામ્યા છે. પરંતુ અંતે તો વિકાસથી વંચિત રહેતા પેટલાદના નગરજનોને જ હાડમારી વેઠવી પડતી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

જગ્યાઓ ખાલી પણ મહેકમ ઉંચુ
પેટલાદ નગરપાલિકામાં છેલ્લા વીસેક વર્ષથી એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. પાલિકામાં સત્તા ઉપર જે આવે એ તેમના મળતીયાઓને પાલિકામાં કોઈને કોઈ વિભાગમાં કરાર આધારિત નોકરી માટે ઘૂસાડી દે છે. જેથી હંગામી કર્મચારીઓનો રાફડો થઈ ગયો છે. આ હંગામી કર્મચારીઓને સ્વભંડોળની રકમમાંથી પગાર કરવો પડે છે. જેના ભારણને કારણે મહેકમ ઉંચુ જાય છે. પાલિકાનું ગત વર્ષે તો મહેકમ ખર્ચ એંશી ટકા ઉપર જતું રહ્યું હતું, જે હાલ માંડ માંડ પાંસઠ ટકાની આસપાસ હોવાનું જાણવા મળે છે. આવા અનઘડ વહીવટને કારણે કાયમી જગ્યાઓ વર્ષોથી ભરાતી જ નથી.

Most Popular

To Top