રાજપીપળા: (Rajpipla) નાંદોદના ધાનપુર ગામમાં પાણી (Water) બાબતે કહેવા જતાં દલિત મહિલા સહિત એના પતિ પર હુમલો કરતાં 7 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટીની (Rioting and Atrocity) ફરિયાદ દાખલ કરાઈ છે. નાંદોદના ધાનપુર ગામના દલિત મહિલા એસુદાબેન જયેશભાઈ પરમારે આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયામાં આવેલી પીવાના પાણીની પાઇપ લાઇનમાં (Pipeline) આશિષભાઈ કંચનભાઈ પટેલે પંદર દિવસ પહેલાં પોતાના ખેતરમાં કરેલા દીવેલાના પાકમાં પાણી લેવા માટે નવું કનેક્શન (Connection) લીધું હતું. એમણે ખેતરમાં (Farm) પાણી લેવા માટે પાઇપ લાઇનનો વાલ્વ અડધો કરી દેતાં એસુદાબેનના ફળિયામાં પાણી બરાબર આવતું ન હતું. જેથી એમણે સરપંચના પતિ અમલેશભાઈ વસાવાને ફોન કરી આ બાબતે રજૂઆત કરી હતી.
- નાંદોદના ધાનપુરમાં સરપંચના પતિ સહિત 7 ઈસમે દલિત મહિલાને ઢોર માર મારતાં ફરિયાદ
- પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી ખેતી માટેનું કનેક્શન લેતાં મહિલાએ સરપંચના પતિને ફોન કરી રજૂઆત કરી હતી
- પત્નીને મારતા જોઈ પતિએ ઘરમાં સંતાઈને વિડીયો ઉતારી વાયરલ કર્યો
- વિફરેલા ઈસમોએ ઘરનું બારણું તોડી ઇંટો મારી ટીવી સહિત ઘરવખરી તોડી ઘર સળગાવી દેવાની ધમકી આપી
આ ફરિયાદ બાદ ગામના આશિષભાઈ કંચનભાઇ પટેલ, અમલેશભાઈ મનુભાઇ વસાવા, પીયૂષભાઈ મહેશભાઈ પટેલ, મનોજકુમાર જેન્તીભાઈ પટેલ, મિતેશકુમાર જેન્તીભાઈ પટેલ, દીપકભાઈ કાલીદાસ પટેલ અને પાર્થ શાંતિલાલ પટેલ (તમામ રહે.,ધાનપુર, તા.નાંદોદ, જિ.નર્મદા)એ એકસંપ થઈ બાઇકો લઇ એસુદાબેનના ઘર આગળ ઊભી રાખી અપશબ્દો બોલી લાકડીનો ડંડો મારી વાળ પકડીને ખેંચીને લાતો મારી હુમલો કર્યો હતો. આ સમયે તેમનાં સાસુ-સસરા આવી જતાં તેમને પણ ગાળો બોલી હતી.
દરમિયાન ખેતરેથી આવેલાં એસુદાબેનના પતિ જયેશભાઈ પત્નીને માર મારતો વિડીયો મકાનમાં અંદર જઇ મોબાઇલમાં ઉતારતા હતા, ત્યારે તમામ આરોપીઓ હાથમાં ઇંટો લઇ એમના મકાનનો પાછળનો દરવાજો ખોલી મકાનમાં આવેલા ટેબલનો કાચ તેમજ એલ.ઇ.ડી., ટી.વી. તોડી નાંખ્યાં હતાં. સાથે સાથે તમામે મકાન સળગાવી દેવાની તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતાં રાજપીપળા પોલીસે સાત લોકો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવમાં મહિલા સહિત પતિને ઢોર માર મરાતાં 108 દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.