Comments

રાજકોટનું પોલીસ કૌભાંડ: સરકારનાં વહાલાં અને દવલાં

રાજકોટના એક ઉદ્યોગપતિએ આક્ષેપ મૂકયો કે અમુક પોલીસવાળાઓએ મળીને ઉદ્યોગપતિનો લગભગ બાર કરોડ રૂપિયાથી વધુ રકમ રૂશ્વતખોરી વડે લૂંટી લીધી છે. આ ફરિયાદને સત્તાધારી પક્ષના વિધાયક ગોવિંદ પટેલે ટેકો આપ્યો. ત્યાર બાદ ડીસીબી પોલીસ ઇન્સ્પેકટર વિરલ ગઢવી અને બીજા સાત પોલીસ સબ-ઇન્સ્પેકટરોની બદલી કરી નાખવામાં આવી. તેમની સાથે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ત્રણ અધિકારીઓની પણ બદલી થઇ! શાબાશ, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ!

શાબાશી એટલા માટે કે સરકાર અને પોલીસમાં તસુભાર શરમ બચી નથી. જયાં સુધી ખુદ ભાજપના ધારાસભ્યે સક્રિયતા ન દર્શાવી ત્યાં સુધી ટાળમટોળ થઇ. શકય છે કે ઉદ્યોગપતિએ કોઇ ગેરકાનૂની કૃત્ય કર્યું હોય. ન કર્યું હોય તો પણ ફીટ કરી દેવાની પોલીસ ફાવટ વિષે વધુ જ્ઞાનની જરૂર રહેતી નથી. થોડાં વરસ પહેલાં અમરેલી પોલીસના એક પટેલ અટકધારી ઓફિસર ૨૦૦ (બસ્સો) બિટકોઇન ઉઘરાવવા માટે સુરત આવી ગયા હતા. એમના પર આરોપ છે કે કોઇની પાસેથી સોપારી લઇને એ ખાખીધારી વસૂલી કરવા આવ્યા હતા અને ભટ્ટ નામના એક ડેવલપરના ૨૦૦ બિટકોઇન પડાવી લીધા હતા. આખા સમાજ, સરકાર સાથેની આ દગાખોરી છે. કોઇના ખૂન કરતાં આ મોટો અપરાધ છે. જે વાડ ચીભડાં ગળે તેને સળગાવી દેવી જોઇએ, તેમ જે અધિકારી સમગ્ર સમાજ સાથે ધોખેબાજી કરે તેમને, ત્રાસવાદીની માફક ફાંસીએ લટકાવવાની કાયદામાં વ્યવસ્થા કરવી જરૂરી બની ગઇ છે. પણ સરકારને લાગવું જોઇએ કે પોતાની સાથે, ગુજરાતની પ્રજા સાથે વિશ્વાસઘાત થયો છે. જો સરકારને જ દગાખોરી ભાવતી હોય તો બીજા કોઇ શું કરી લે? વધી વધીને, વધુ ઉહાપોહ અનુસંધાને બદલી કરી નાખે.

શું અધિકારીઓની બદલી તે કોઇ યોગ્ય સજા છે? એક નહીં પુરવાર થયેલા ગુનામાં પણ સરકાર અને અદાલતો આરોપીને એક વરસ કરતાં વધુ સમય માટે જેલમાં પૂરી રાખે છે. સરકારી વકીલ દ્વારા દલીલ આપવામાં આવે છે કે આરોપીને મુકત કરાશે તો એ ન્યાયપ્રક્રિયા પર પ્રભાવ પાડશે. સાક્ષીઓ પર પ્રભાવ પાડશે. ઘણી વખત પેલા બિચારાની એવી કોઇ હેસિયત હોતી નથી. છતાં મુંબઇના કાસલીવાલના પુત્રની માફક બીજા રાજયની જેલમાં લાંબો સમય પૂરી દેવાય છે. જો કે હવે ચાર્જશીટ દાખલ કરવા માટે ડેડલાઇન અપાઇ છે, તેમાં લૂપહોબ્સ પણ છે. ત્યારે પોલીસ અધિકારીઓની માત્ર બદલી કરીને સંતોષ લેવાનો? વાસ્તવમાં પોલીસ દળ વિખેરી નાખવામાં આવે તો ગુનાઓની આખી પેટર્ન બદલાઇ જાય. ગુનાખોરી વધે પણ જૂની પેટર્નમાં ગુનાઓની સંખ્યા ખૂબ ઘટી જાય. રાજયમાં કે દેશમાં કે અમેરિકામાં કોઇ બિલ્ડર, કોઇ ઉદ્યોગપતિ મુખિઓ બને તો ગુનાઓ વધવાની શકયતા રહે છે, કારણ કે એની પોતાની પછેડી જ અનેક લોકોએ દબાવી રાખી હોય છે. વાચકોને ટ્રમ્પ સાહેબ યાદ આવશે, પણ અમને તો બીજા ઘણા યાદ આવી રહ્યા છે.

જયારે એક અધિકારીની બદલી સજાના ભાગરૂપે થાય છે ત્યારે તેના અનેક સૂચિતાર્થો નીકળે છે અને સરકારને એ ખ્યાલ રહેતો નથી કે એ પોતાની જાંઘ પરનાં ગૂમડાં ખુલ્લાં કરે છે. જાંઘથી પણ ઉત્તરના પ્રદેશનાં ગૂમડાં. અમુક વિસ્તારને સરકાર પણ ઉતરતી કક્ષાના ગણે છે અને એમના રાજયના એ પ્રદેશમાં રહેવામાં ભલીવાર નથી. એવો સંકેત પણ આપે છે કે નબળા પ્રદેશના વિકાસની કોઇ જરૂર નથી અને નબળા પ્રદેશમાં નબળો અધિકારી ભલો. આ વલણને કારણે એ પ્રદેશમાં કોઇ પ્રમાણિક અધિકારી નિમાય તો એની ઇમેજ પર અસર પડે છે. સામાન્ય રીતે બદલીની સજા પામેલા અધિકારીને પોલીસ કર્મચારીઓ કે રાજયના અન્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે મોકલી દેવાય છે. એ ત્યાં જઇને કઇ તાલીમ આપશે? ત્યાં તો અત્યંત પ્રમાણિક અને કાર્યકુશળ અધિકારી હોવા જોઇએ.

આજકાલ રોજ અખબારો દ્વારા આકાશવાણી થતી રહે છે કે જયાં રૂશ્વત વધુ મળે તે પ્લમ (ફળદાયક) પોસ્ટ પર નિયુકિત માટે અધિકારીઓ દ્વારા ઉપરીઓને લાખો રૂપિયાનું પ્રિમિયમ ચૂકવાય છે. સુરત કે નવસારીનો એક પોલીસમેન પોતાના પોલીસ સ્ટેશનમાંથી ત્રણ ચાર દિવસની રજા લઇને વાપી નજીક દમણના માર્ગ પર વરદી પહેરી ઊભો રહી જતો અને દારૂની હેરફેર કરનારાઓ પાસેથી વસૂલી કરતો હતો. જો વલસાડ, ધરમપુર કે વાપીના પોલીસ સ્ટેશનમાં નિયુકિત મળે તો લોકો તે ઘટનાને પણ શંકાથી જુએ છે. સરકાર પોતાના જ એક પ્રદેશને સજા આપવા માટે લાયક ગણે ત્યારે વિકાસની બાંગો પોકળ સાબિત થાય છે અને ગંભીર ગુનાઓના આરોપીઓની બદલી થાય તો શું તેઓ અન્યત્ર કોઇ પોસ્ટ પર રહી સાક્ષીઓ પર અસર ન પાડી શકે? જો સરકારને મા-બાપ ગણો, (એ વાત અલગ છે કે લોકો એવી ભૂલ હવે કરતા નથી.) તો બે જિલ્લાઓમાં એક પોતાનો એક બીજો સાવકો ગણે તે મા-બાપ કહેવાને લાયક ગણાય ખરાં?
          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top