નવસારી, બીલીમોરા : નવસારી (Navsari) જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેહુલો વરસતા ગણદેવી તાલુકામાં 3.5 ઇંચ, નવસારી અને જલાલપોર તાલુકામાં અઢી ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં અડધોથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વરસાદ પડતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે નવસારીમાં ઠંડક વર્તાઈ હતી. નવસારી જિલ્લામાં વરસાદી માહોલ (Rainy weather) સર્જાયો છે. નવસારીમાં ગત રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે આજે ગુરૂવારે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વિજલપોર શહેરમાં ગલી-મહોલ્લામાં વરસાદી પાણી વધુ ભરાયા હતા. જેથી લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે ત્યારબાદ વરસાદનું જોર ઓછું પડતા વરસાદના પાણી ઓસરી ગયા હતા. પરંતુ વરસાદ ધીમી-ધારે યથાવત રહ્યો હતો.
ગત બુધવારે સાંજે 6 વાગ્યેથી ગુરૂવારે સાંજે 6 વાગ્યે સુધી ગણદેવી તાલુકામાં 85 મી..મી. (3.5 ઇંચ), જલાલપોર તાલુકામાં 64 મી.મી. (2.6 ઇંચ), નવસારી તાલુકામાં 60 મી..મી. (2.5 ઈંચ), ખેરગામ તાલુકામાં 37 મી..મી. (1.5 ઇંચ), ચીખલી તાલુકામાં 17 મી..મી. (0.7 ઇંચ) અને વાંસદા તાલુકામાં 2 મી..મી. વરસાદ નોંધાયો હતો. ગુરૂવારે વરસાદ પડતા નવસારીમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નવસારીમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા 29.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ 5 ડિગ્રી ગગડતા 24.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરૂવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા હતું. જે બપોરબાદ વધીને 92 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 4.7 કિ.મી. ઝડપે પવનો ફૂંકાયા હતા.
નવસારી જિલ્લામાં 24 કલાકનો વરસાદ
ગણદેવી 3.5 ઇંચ
જલાલપોર 2.6 ઇંચ
નવસારી 2.5 ઈંચ
ખેરગામ 1.5 ઇંચ
ચીખલી 0.7 ઇંચ
એરૂ ચાર રસ્તા પર પોલીસ વાન પર ઝાડ પડ્યું, ચાલકનો બચાવ
નવસારીમાં આજે સવારથી જ પવનો સાથે વરસાદ પડી રહ્યો હતો. આજે ગુરૂવારે સવારે પોલીસ કચેરીથી પોલીસ વાન મેઇન્ટેનન્સ માટે જઈ રહી હતી. ત્યારે એરૂ ગામ પાસે ફુંકાતા પવનોને કારણે પોલીસ વાન પર ઝાડ પડી ગયું હતું. જેના પગલે વાનને ભારે નુકસાન થયું હતું, જોકે સ્થાનિકોએ વાન ચાલકને બહાર કાઢતા ચાલકનો બચાવ થયો હતો. જ્યારે સ્થાનિકોએ વાન પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
બીલીમોરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી રોડ પર પાણીનો ભરાવો
કાદવ કીચડનું સામ્રાજ્ય વધી જતા રહીશો તોબા પોકારી ઉઠ્યા, વરસાદે ખેડૂતોને ખુશ કરી દીધા
બીલીમોરા : ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ગુરુવારે સવારથી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં વિતેલા 10 કલાકમાં સાડા ત્રણ ઇંચ પાણી પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. ગુરુવારે સવારે 6 થી બપોરે 4 કલાકમાં 85 એમએમ એટલે કે અંદાજિત સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. બીલીમોરામાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં અચાનક વરસાદ પડી જતાં બ્રિજના કામને અસર પહોંચી છે. કાદવ કીચડનું સામ્રાજ્ય વધી જતા બ્રિજ આજુબાજુના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. અચાનક પડેલા ભારે વરસાદને કારણે બીલીમોરા-ચીખલી માર્ગ ઉપર પ્રજાપતિ વાડી પાસે રોડ પર પાણીનો ભરાવો થતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદે ખેડૂતોને ખુશ કરી દીધા હતા.
બીલીમોરામાં ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાતા બાઇક ચાલક ખાબક્યો
હાલમાં જ બીલીમોરાના ચિમોડીયા નાકા પાસે ચાલતી ડ્રેનેજની લાઈનનું રીપેરીંગ કામ છેલ્લા બે દિવસથી થઈ રહ્યું છે જેને માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાઇ જતા ત્યાંથી પસાર થતાં મોટરસાયકલ ચાલક અકસ્માતે તેમાં ખાબક્યો હતો. જે કે તેનો આબાદ બચાવ થયો હતો. પણ પોણા ભાગની તેની મોટરસાયકલ ખાડાના પાણીમાં ગરક થઈ ગઈ હતી.
ચીખલી પંથકમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું આગમન : અડધો કલાક ધોધમાર વરસાદ
- ડાંગ જિલ્લામાં પણ સમયાંતરે વરસાદી ઝાપટા પડતા પંથકમાં શીત લહેર વ્યાપી
- વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બનતા અસહ્ય ગરમીમાં કંઇક અંશે રાહત થઇ
સાપુતારા, ઘેજ : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં ગુરૂવારે સમયાંતરે વરસાદી ઝાપટા પડતા પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ઉપરાંત ચીખલી પંથકમાં કાળા-ડિંબાંગ વાદળો ઘેરાવા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા અને વાતાવરણ ઠંડુગાર બની જતા અસહ્ય ગરમીમાં કંઇક અંશે રાહત થવા પામી હતી. ડાંગ જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન થયુ હતુ. જેમાં આજે સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટીના ગામડાઓમાં ગુરુવારે સમયાંતરે વરસાદી ઝાપટાનો માહોલ સર્જાયો હતો. જ્યારે સાપુતારામાં વરસાદી માહોલ બાદ રોજેરોજ સર્જાતી ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ફરવા આવતા પ્રવાસીઓનાં મનને પ્રફુલ્લિત કરી રહી છે. જ્યારે ચીખલી પંથકમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાનું આગમન થયું હતું. અને અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઇ ગયા હતા. જો કે વિધિવત ચોમાસાના પ્રારંભની આતુરતાનો અંત આવ્યો ન હતો. તાલુકામાં 17 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ચીખલી પંથકમાં મળસ્કેના સમયથી જ છૂટાછાવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા.