સુરત: દિવસભર ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ રહ્યાં બાદ સાંજે 5 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. વીજળીની ગાજવીજ સાથે સુરત શહેરના આકાશ પર કાળાંડિબાંગ વાદળો છવાયા હતા. જેના લીધે સાંજે 5 વાગ્યે જ રાત્રિ જેવું અંધકાર છવાઈ ગયું હતું. બપોરે 3 વાગ્યે તડકા સાથે વરસાદી ઝાપટું પણ કેટલાંક ઠેકાણે પડ્યો હતો. આ અગાઉ આજે બપોરે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો.
- કાળાંડિબાંગ વાદળો આકાશમાં છવાતા શહેરમાં અંધારું થયું
- વાદળોની ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
- દિવસભર ગરમી અને અસહ્ય ઉકળાટથી પરેશાન લોકોને ભારે પવનથી ઠંડકનો અનુભવ પરંતુ છત્રી-રેઈનકોટ વિના નીકળેલા લોકો વરસાદમાં ભીના થતાં હેરાન થયા
સાંજે 6 વાગ્યે ધોધમાર વરસાદ પડતા લોકો હેરાન થયા હતા. ફરજિયાતપણે લોકોએ રસ્તાની સાઈડ પર ઉભા રહી જવું પડ્યું હતું. સવારથી ભારે ગરમી અને ઉકળાટના લીધે લોકો રેઈનકોટ અને છત્રી લઈને નહીં નીકળ્યા હતા, તેઓ ખૂબ હેરાન થયા હતા. આ અગાઉ ગઇકાલે અનંતચૌદશના દિવસે પણ આવું જ થયું હતું. દિવસભર ગરમી બાદ સાંજે વરસાદ તૂટી પડ્યો હતો. ગણતરીની મિનીટોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર ખાબોચિયા ભરાઈ ગયા હતા.
આ અગાઉ અમદાવાદમાં શનિવારે બપોરે સાડા ચાર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. થોડી જ મિનીટોમાં કાળાં ડિબાંગ વાદળોએ અમદાવાદ શહેરના આકાશને ઘેરી લીધું હતું, જેના લીધે સમગ્ર અમદાવાદમાં સાંજે સાડા ચાર વાગ્યે જ અંધારપટ છવાઈ ગયો હતો. વિઝિબિલીટી ઓછી થઈ જતા વાહનચાલકોએ ફરજિયાતપણે હેડલાઈટ્સ ચાલુ કરવી પડી હતી. હાઈવે પર પસાર થતા વાહનચાલકો હેરાન થયા હતા. અંધારપટ છવાયા બાદ વીજળીના કડાકા ભડાકા અને વાદળોની ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. આ સાથે જ ભારે પવન ફૂંકાતા લોકો હેરાન થયા હતા.
આ અગાઉ બપોરે 4 વાગ્યા સુધી આખાય અમદાવાદમાં ભારે ગરમી અને અસહ્ય ઉકળાટભર્યું વાતાવરણ હતું. દરમિયાન હવામાન વિભાગે અમદાવાદમાં પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી જે સાચી પડી છે. ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો છે. તે ઉપરાંત બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવતા પાલનપુર, વડગામમાં પણ ધીમો વરસાદ પડી રહ્યો છે.