Gujarat

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતના આ જિલ્લામાં પહોંચી

ગાંધીનગર: કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુરુવારે સાંજે ગુજરાતમાં પ્રવેશી હતી. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગઈકાલે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. જેમાં રાષ્ટ્રપતિ આદિવાસી હોય રામ મંદિરમાં પ્રવેશ ન મળ્યો તે મુદ્દો ઉઠાવ્યો હતો.

આજે 8 માર્ચના રોજ દાહોદથી ગુજરાતમાં યાત્રા આગળ વધી છે. ચાર દિવસ રાહુલ ગાંધી ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારત જોડો યાત્રા લઈ ફરશે. આજે બીજો દિવસ છે. આજે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી રહી છે.

રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા
ન્યાય યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી દાહોદના ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈ ધામમાં દર્શન કરવા ગયા હતા. કંબોઈ ધામ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. દાહોદ બસ સ્ટેન્ડ ખાતેથી રાહુલ ગાંધીએ પદયાત્રા શરૂ કરી હતી. અહીં સ્વામિ વિવેકાનંદ પ્રતિમા નજીક મહિલાઓએ ગરબા રમી ગાંધીનું સ્વાગત કર્યું હતું. દાહોદ બાદ ભારત જોડો ન્યાય યાત્રા લીમખેડા પહોંચી હતી. આ યાત્રામાં સાંસદ જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર સહિતના આગેવાનો જોડાયા છે.

સંતરોડમાં યાત્રાનું સ્વાગત કરાયું
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ નીકળી સંતરોડ ખાતે પહોંચી હતી, જ્યાં સંતરોડની પ્રજા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તો યાત્રા સંતરોડ મુકામે કલાક માટે રોકાઈ હતી. ત્યાર બાદ ગોધરા શહેરના પરવડી ચોકડી જશે.

Most Popular

To Top