મોસ્કો: રશિયાએ શરુ કરેલા યુદ્ધમાં યુક્રેનનાં નિર્દોષ લોકો ભોગનો લેવાઈ રહ્યો છે. રશિયા ભલે એમ કહી રહ્યું હોય કે અમારી લડાઈ સામાન્ય નાગિરકો સાથે નથી, પરંતુ હકીકત કઈક જુદુ બતાવી રહી છે. યુક્રેનમાં યુદ્ધના પગલે અત્યાર સુધીમાં હજારો નિર્દોષો મોતને ભેટ્યા છે. આ નિર્દોષોમાં બાળકોની પણ સમાવેશ થાય છે. રશિયા જે દેશ પર પોતાના મિસાઈલોથી આતંક મચાવી રહ્યા છે તે યુક્રેનવાસીઓને એકદમ ગેંગસ્ટર પ્રકારના ગણાવીને કહ્યું છે કે તેઓ નાગરિકોનો ઉપયોગ માનવ ઢાલ તરીકે કરી રહ્યા છે. યુક્રેનિયન જેટ વિમાનોએ કિવ તરફ આગળ વધતા રશિયાના ડેથ કોન્વોયના નામે ઓળખાતા કાફલાની આગેકૂચ અટકાવી દીધી હતી. યુક્રેનિયનોના પરાક્રમથી દેખીતી રીતે અકળાયેલા પુતિને તેમને ગુંડા જેવા ગણાવ્યા છે અને કહ્યું હતું કે ગમે તે થાય પરંતુ પોતે યુક્રેન પરનો હુમલો ચાલુ રાખશે. ફ્રેન્ચ પ્રમુખ સાથેની વાતચીતમાં પુતિને એમ કહ્યું હોવાનું કહેવાય છે કે અંત સુધી પોતે લડાઇ ચાલુ રાખશે. આજે બપોરે પુતિને ફ્રેન્ચ પ્રમુખ સાથે વાત કરી હતી.
- પુતિને યુક્રેનવાસીઓનો ગેંગસ્ટર ગણાવ્યા
- રશિયન દળો મહત્વના લક્ષ્યો ચુકી રહ્યા છે : રશિયન પ્રમુખનો દાવો
- રશિયા સિવાઈ કોઈએ પણ ન્યુક્લીયર પ્લાન્ટ પર નથી કર્યો હુમલો : ઝેલેન્સકી
- યુક્રેન યુદ્ધમાં રશિયાનાં ટોચના જનરલનું મોત
રશિયન દળો લડાઇમાં નબળા સાબિત થઇ રહ્યા છે : રશિયન પ્રમુખ
રશિયન પ્રમુખે દાવો કર્યો છે કે પોતાના ખાસ લશ્કરી ઓપરેશનો સમય અને કાર્યક્રમ મુજબ ચાલી રહ્યા છે, જો કે મળતા અહેવાલો વારંવાર નિર્દેષ કરી રહ્યા છે કે રશિયન દળો મહત્વના લક્ષ્યો ચુકી રહ્યા છે, મૂંઝવનારા પરાજયોનો સામનો કરી રહ્યા છે, અને લડાઇમાં નબળા સાબિત થઇ રહ્યા છે. જે રીતે અવરોધનો સામનો રશિયન દળો કરી રહ્યા છે તેનાથી પુતિન બઘવાઇ ગયા હોવાનું જણાય છે અને તેમના શબ્દોમાં અકળામણ વ્યક્ત થઇ રહી છે. ઝડપી વિજયની તેમની આશા ઠગારી નીવડી છે અને યુદ્ધ લાંબુ અને ખર્ચાળ પુરવાર થઇ રહ્યું છે. આઠ દિવસ પહેલા રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેના પછી પ્રથમ વખત પુટિને પ્રજાજોગ સંબોધન આજે કર્યું હતું, જો કે તેમના સંબોધનમાં એવી ખાતરી મળી શકી ન હતી કે યુદ્ધ જલદી પુરુ થઇ જશે.
યુક્રેનિયન મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે રશિયન સૈનિકો દક્ષિણના શહેર એનર્હોદરમાં પ્રવેશ્યા હતા, જે ડિનીપર નદી પરનું એક મુખ્ય ઊર્જા કેન્દ્ર છે જે દેશના વીજ ઉત્પાદનનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. તે ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટનું સ્થળ છે, જે યુરોપમાં સૌથી મોટું છે. નાગરિકોએ તેનો બચાવ કરવા પ્લાન્ટની આસપાસ રોડ બ્લોક્સ ગોઠવી દીધા હતા, શહેરના મેયરે કહ્યું હતું કે બુધવારે રશિયન સૈનિકો દ્વારા એક ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે લોકો ઘાયલ થયા હતા.
ન્યુક્લીયર પ્લાન્ટ પર હુમલા મામલે ઝેલેન્સકીનું નિવેદન
યુક્રેનના ઝાપોરિઝ્ઝિયા પાવર પ્લાન્ટ પરના હુમલા મામલે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયા સિવાય કોઈ દેશે આજ સુધી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો નથી. માનવ ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. એક આતંકવાદી રાજ્યે પરમાણુ આતંકનો આશરો લીધો છે. બીજી તરફ યુક્રેને આ મુદ્દે તાત્કાલિક સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાની માંગ કરી છે. યુક્રેનના નવીનતમ નિવેદન અનુસાર, આગ પ્લાન્ટની પરિઘની બહાર શરૂ થઈ હતી. એનર્હોદર એ ડીનીપર નદીના ડાબા કાંઠે અને ખાખોવકા જળાશય પરનું મુખ્ય ઉર્જા હબ છે જે ઝાપોરિઝ્ઝિયા પરમાણુ પ્લાન્ટને કારણે દેશના વીજ ઉત્પાદનમાં લગભગ એક ચતુર્થાંશ જેટલો હિસ્સો ધરાવે છે. એનર્હોદરના મેયર દિમિટ્રો ઓર્લોવે જણાવ્યું હતું. ગુરુવારે એક મોટો રશિયન કાફલો શહેરની નજીક આવી રહ્યો હતો અને રહેવાસીઓને ઘરો ન છોડવા વિનંતી કરી હતી.
યુદ્ધમાં રશિયાનાં ટોચના જનરલનું મોત
રશિયન 7મી એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ જનરલ મેજર જનરલ આન્દ્રે સુખોવેત્સ્કી આ સપ્તાહની શરૂઆતમાં યુક્રેનમાં લડાઈમાં માર્યા ગયા હતા. દક્ષિણ રશિયામાં ક્રાસ્નોદર પ્રદેશમાં સ્થાનિક અધિકારીઓની સંસ્થા દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. તેના મૃત્યુના સંજોગો તરત જ સ્પષ્ટ થયા ન હતા. સુખોવેત્સ્કી 47 વર્ષના હતા. તેમણે લશ્કરી એકેડેમીમાંથી સ્નાતક થયા પછી પ્લાટૂન કમાન્ડર તરીકે તેમની લશ્કરી સેવા શરૂ કરી અને શ્રેણીબદ્ધ નેતૃત્વના હોદ્દા પર સતત વધારો કર્યો હતો.