National

પંજાબની 13 માંથી 7 સીટો પર શિરોમણી અકાલી દલે કરી ઉમેદવારોની જાહેરાત

શિરોમણી અકાલી દળે (Shiromani Akali Dal) શનિવારે બૈસાખીના અવસર પર લોકસભા ચૂંટણી (Election) માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પંજાબની 13માંથી 7 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. યાદીમાં ગુરદાસપુર, અમૃતસર, આનંદપુર સાહિબ, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, સંગરુર અને પટિયાલા બેઠકોનો સમાવેશ થાય છે. પાર્ટીએ ગુરદાસપુરથી ડો.દલજીત સિંહ ચીમાને મેદાનમાં ઉતાર્યા છે. પ્રોફેસર પ્રેમ સિંહ ચંદુમાજરાને શ્રી આનંદપુર સાહિબથી ટિકિટ આપવામાં આવી છે. પટિયાલાથી એનકે શર્મા અને અમૃતસરથી અનિલ જોશીના નામોને મંજૂરી આપવામાં આવી છે. હજુ સુધી ભટિંડા અને ફિરોઝપુર સીટ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી.

અકાલી દલે જે બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તેમાં અમૃતસરથી અનિલ જોશી, ફતેહગઢ સાહિબથી બિક્રમજીત સિંહ ખાલસા, સંગરુરથી ઈકબાલ સિંહ ઝુંડા અને ફરીદકોટથી રાજવિંદર સિંહને ટિકિટ આપવામાં આવી છે. રાજવિંદર સ્વર્ગસ્થ ગુરદેવ સિંહ બાદલના પૌત્ર છે. પાર્ટીએ ભટિંડા લોકસભા સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી નથી. હરસિમરત કૌર બાદલ અહીંથી સતત ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. પ્રથમ યાદીમાં હરસિમરત કૌર બાદલના નામની જાહેરાત નિશ્ચિત માનવામાં આવી રહી હતી પરંતુ હાલમાં પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી નથી.

ફિરોઝપુર બેઠકના ઉમેદવારની પણ પ્રથમ યાદીમાં જાહેરાત કરવામાં આવી નથી. અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ હાલમાં આ બેઠક પરથી સાંસદ છે. ચર્ચા છે કે બાદલ આ વખતે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ ઓછી છે. આથી પાર્ટી આ બેઠક પરથી અન્ય ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે.

જણાવી દઈએ કે અકાલી દલ અગાઉ ગઠબંધનમાં ભારતીય જનતા પાર્ટી માટે કેટલીક બેઠકો છોડતી હતી પરંતુ આ વખતે તે તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે. પાર્ટીએ અમૃતસર અને ગુરદાસપુર બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે જે ગત વખતે ભાજપ માટે છોડી દેવામાં આવી હતી. હોશિયારપુર બેઠક માટે હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી.

Most Popular

To Top