સુરત : પૂણાના કોન્સ્ટેબલ દ્વારા એક મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂપિયા 50,000નો તોડ કરવામાં આવતા પૂણા પોલીસ પોતિકું રાજ હોય તેમ સામાન્ય નાગરિકો પાસેથી નાણાંના ઉઘરાણાં કરતાં હોવાની વાત ખુલ્લી પડી ગઈ છે. જોકે પોલીસ કમિશનર અજય તોમરને તેમના સ્ટાફની કરતૂતની જાણ થતાં તેઓએ ઇન્વેસ્ટિગેશનમાં કામ કરતા કોન્સ્ટેબલ પંકજ માનસિંહ ડામોરને હાથકડી પહેરાવાનો આદેશ આપ્યો છે. પંકજ ડામોર દ્વારા મેડિકલ સંચાલક પાસેથી પચાસ હજારનો તોડ કરવા માટે 3 ઇસમોની મદદ લેવામાં આવી હતી.
આ 3 ઇસમોના નામ ઠામ પંકજ ડામોર જાણતા નહીં હોવાનો વાહિયાત વાતો સાથે પૂણાના પીઆઇ કાલોદરા દ્વારા જયારે તેમના હાથ નીચે જ કામ કરતાં આ કોન્સ્ટેબલની સામે એફઆઈઆર દાખલ કરાવાની નોબત આવી ત્યારે તેના નામ ઠામની ખબર નહીં હોવાનું એફઆઈઆરમાં ઠપકારી દેવાયું છે. કમિ. અજય તોમરને અમે આ મામલે જાણ કરી તો તેઓએ ઇન્કવાયરી કરવા જણાવ્યું છે.
એફઆઇઆરમાં માત્ર પંકજ લખીને તોડબાજ કોન્સ્ટેબલને બચાવવાનો પ્રયાસ
આ તમામામાં પૂણા પીઆઇ વી. એમ. કાલોદરાનો તેમના સ્ટાફ પર જ કાબુ નહીં હોવાની વિગત ચર્ચાઇ રહી છે. આ ઉપરાંત સ્થાનિક ડી-સ્ટાફ સામે પણ ગંભીર ફરિયાદો હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે. દરમિયાન તોડબાજ કોન્સ્ટેબલનું નામ એફઆઇઆરમાં પણ આખું નામ નહીં લખવા પાછળ શું કારણ છે તે તો પીઆઇ કાલોદરા સમજાવી શકે તેમ નથી.
હવે જો પોલીસ કોન્સ્ટેબલનું આખું નામ અને સરનામુ પોલીસ છૂપાવતી હોય તો પછી અન્ય 3 વોન્ટેડ અજાણ્યા ઇસમો કોણ છે તે પણ છૂપાવામાં આવી રહ્યું હોય તેવું કહી શકાય. એફઆઈઆરમાં માત્ર પંકજ નામ લખીને કોન્સ્ટેબલની ઓળખ છૂપાવાની કોશિશ કરવામાં આવી છે. કમિ. અજય તોમરને આ મામલે પૂછતાં તેઓએ જરૂર જણાશે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
શું છે ફરિયાદ ?
ભવાની શંકર રામલાલ (ઉ. વર્ષ 52, ધંધો મેડિકલ રહે.,અમરધામ સોસાયટી, પૂણાગામ) દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વેલનેશ મેડિકલ નામની તેમની દુકાન છે. ગઇ તા. 17 માર્ચના રોજ અજાણ્યા ઇસમ દ્વારા તેઓને પેટમાં દુ:ખાવો છે તેથી તેની દવા માંગી હતી. ત્યારબાદ 3 ઇસમો કેપ્લુસ ખરીદવા આવ્યા હતા.
દરમિયાન અગાઉ જે ઇસમ પેટના દુ:ખાવાની દવા લઇ ગયો હતો તો તેનો જથ્થો તારી પાસે કેટલો છે? કહીને રિક્ષામાં આવેલા ત્રણ ઇસમો દ્વારા મેડિકલ સંચાલક સાથે દાદાગીરી શરૂ કરવામાં આવી હતી. જે પૈકી એક ઈસમે ભવાની શંકરને તેમની એકસેસ ટુ વ્હીલ પર બેસાડી દીધા હતા. ત્યાંથી પૂણા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.
પૂણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પંકજ ડામોરે જણાવ્યું હતું કે ‘તું નાણાં આપ નહીં તો અમે તારી સામે એકશન લઇશું.’ આથી મેડિકલ સંચાલક ભવાની ભાઇ સાશ્વત બેંકનો એટીએમ કાર્ડ તથા ચેક લઇને આવ્યા હતા. સાશ્વત બેંકનો સમય પૂરો થઇ ગયો હોવાને કારણે આ 3 ઇસમોએ એટીએમમાંથી અનુક્રમે 20000, 20000, 10000 રૂપિયા કાઢી લીધા હતા. અને આ રીતે 50હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પીઆઇને ફરિયાદ કરતા પીઆઇ કાલોદરા દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.