અમે પતિ પત્ની અને અમારે એક ૧૮ વરસની દીકરી છે. અમારા ગામમાં કોઈપણ પ્રકારની જાહેર(સરકારી) વાહન વ્યવહારની વ્યવસ્થા નથી. જે બસો આવતી હતી તે લગભગ ૨૦ વરસ અગાઉ કોઈ કારણસર બંધ કરી દેવામાં આવેલી. અમારું ગામ સોનવાડા તાલુકા મથકથી ૧૦ કિલોમીટર અને જિલ્લા મથકથી ૨૫ કી.મી.નાં અંતરે આવેલ હોય મારી દીકરીને કોઈ પરીક્ષા આપવા માટે અમારે નિમ્ન મધ્યમવર્ગની પરિસ્થિતિને કારણે અમારું ટુ-વ્હીલર પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર પર લઈ જવું પડે છે, જે ૧૦થી ૩૦ કી.મી. દૂર આવેલ હોય છે, પરંતું સરકારી કાયદા પ્રમાણે ટુ વ્હીલર પર ત્રણ સીટ બેસવું ગુનો બને છે!
તો આ પરસ્થિતિમાં અમારે ખાનગી વાહનોમાં ઘેટાં બકરાની જેમ ભીંસાઈને જવા માટે બેથી અઢી કલાક વહેલું નીકળવું પડે છે. આ દિશામાં તંત્ર વિચારે અને વર્ષોથી બંધ પડેલ જાહેર વાહન વ્યવહારની વ્યવસ્થા ફરી શરૂ થાય તો અમારા જેવા નિમ્ન મધ્યમવર્ગના હજ્જારો પરિવારોને ફાયદો થાય એમ છે. આ અંગે અમારા સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય, સંસદસભ્ય ને પણ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી રજુઆત કરી પણ તેમના કાને અથડાઈને અમારી રજુઆત વાંઝણી જ પુરવાર થઈ.
સોનવાડા – જતિન ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દાદાનું બુલડોઝર
ખુલ્લેઆમ ગેરકાયદેસર ચાલી રહેલ દારૂનાં અડ્ડાઓ, હોસ્પિટલ (મંજૂરી કે ડિગ્રી નથી), મેડિકલ (લાયસન્સ નથી), ક્લબ (અસામાજિક પ્રવૃત્તિઓ કરે), હોટલ (ગુણવત્તા અને મંજૂરી વિના ચાલી રહી છે), થિયેટર (મિલકતના પુરાવાઓ નથી, મંજૂરી વિનાની ફિલ્મ ચલાવે છે), શાળા-કોલેજ (મંજૂરી વિના ચાલે છે, સુરક્ષા સલામતીની જોગવાઈ નથી), કોચિંગ સંસ્થા (સરકારી નોકરી કરતા શિક્ષકોનાં માલિકી હેઠળ છે.) કારખાનાં, શોપિંગ મોલ, એપાર્ટમેન્ટ અને સમાજ, ધર્મ સેવાને આડે લીધેલ ઘણી મિલકતો કે જેમનાં કોઈ કાયદેસર દસ્તાવેજો નથી તો શું આ કબજેદારોને દાદાના બુલડોઝરનો ભય ખરો?
કે પછી સરકાર એ કબજેદારોનાં કોઈ ગુના કે ગુનાઓની લાંબી યાદીની વાર જોઈ રહી છે? કોઈ એક વ્યકિત કે જે આરોપી હોય અને આજે સરકાર એમનાં ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર માર્ગે ન્યાય કરતી હોય તો બાંધકામ થયું એ સમયે સરકારનાં આગેવાનો ક્યાં હતાં? કોઈ એક મિલકત કે વ્યક્તિગત રૂપે માત્ર તે વ્યક્તિની માલિકી દર્શાવતી હતી અને સરકારે તેનાં પર બુલડોઝર ફેરવી કામગીરીની વાહવાહ મેળવી હોય પણ સાહેબ ઉપરની યાદીમાં એવી મિલકતો છે જ્યાં કોઈ એક વ્યકિત નહીં પણ ઘણાં લોકોનાં જીવ અને ભવિષ્યની કોઈ સુરક્ષા નથી ત્યાં પણ બુલડોઝર ફેરવો.
વેસ્મા – શાહિદ કુરેશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
