Columns

પૃથ્વી પર પરગ્રહવાસીઓના હુમલાનું જોખમ?

આકાશ ગંગામાં ચારેક પરગ્રહવાસી સંસ્કૃતિઓ પૃથ્વી પર ટાંપીને બેઠા છે એવી ચેતવણી સ્પેનની વીગો યુનિવર્સિટીના એક Ph.D. સંશોધકે આપી છે. તેને પગલે પૃથ્વીવાસીઓએ પરગ્રહવાસીઓને નોંતરવા જોઇએ કે નહીં તેની ચિંતા ફરી શરૂ થઇ ગઇ છે. આલ્બર્ટો કે બેલેરો નામના આ સંશોધકે કહ્યું છે કે, પૃથ્વીવાસીઓ પર ગ્રહવાસીઓની સાથે સંપર્ક વધારવાના પ્રયત્નો કરે છે. બધુ સમુ-સૂતરું ઉતરે ત્યાં સુધી બરાબર છે, પણ પરગ્રહોમાં પણ પૃથ્વી સાથે દુશ્મનાવટભર્યો વ્યવહાર રાખે તેવી સંસ્કૃતિઓ છે એ રખે ભૂલાય.

સંશોધનની મર્યાદાઓ સ્વીકારવા સાથે તેમણે જણાવ્યું છે કે, પૃથ્વી પર ખાસ કરીને ગત સદીમાં જે આક્રમણો થયા, લશ્કરી ક્ષમતાનો વૈશ્વિક ધોરણે વધારો થયો અને પૃથ્વી પર જે રીતે ઊર્જાનો વપરાશ વધ્યો, તેનાથી આ સંસ્કૃતિઓનું ધ્યાન ખેંચાયું છે. આપણે પરગ્રહોને સંદેશા મોકલીએ છીએ, તેમાંથી કોઇકને આપણો સંદેશો પહોંચ્યો હોય તો? પરગ્રહવાસી બુધ્ધિશાળી જીવોને અથવા પરગ્રહવાસીઓને સંદેશા મોકલવાની પ્રવૃત્તિ કરવા સાથે અમેરિકી સરકાર પરગ્રહવાસી જીવનના વધતા સંકેતોથી ચિંતામાં તો પડી ગઇ છે. કેબેરેલોએ કહ્યું છે કે, પરગ્રહવાસીઓ આપણી અપેક્ષા મુજબ મૈત્રીનો હાથ નહીં પણ લંબાવે. તેમના મગજની રાસાયણિક, માનસિક પરિસ્થિતિ પૃથ્વીવાસીઓ કરતાં અલગ હોઇ શકે. તેમણે જણાવ્યું છે કે, પરગ્રહવાસીઓના હુમલાની ઘટના એક કરોડ વર્ષમાં એક વાર બને.

ઇટાલિયન વિજ્ઞાની કલોડિયો મેક્કોને કહ્યું કે, આપણી આકાશગંગામાં સૂર્યમાળાની બહાર ગ્રહો ધરાવતા તારાઓ છે. તેમને અંદાજે 15785 ગ્રહો છે અને જીવન હોઇ શકે એવા પણ ગ્રહો આમાં હશે. મેકોનના આ સંશોધનનો ઉલ્લેખ કરી કેબેલેરોએ કહ્યું કે, આમાંથી કેટલાક ગ્રહો પર સંસ્કૃતિઓ પાંગરી હોઇ શકે અને તેમાંથી ચારેક સંસ્કૃતિ એવી હોય કે સ્વાર્થવશ કે વેરવૃત્તિથી પૃથ્વી પર આક્રમણ કરી શકે. 1977માં એક રેડિયો ટેલિસ્કોપ પર ઝીલાયેલા અને ‘વાઉ’ નામ અપાયેલા એક મિનિટના રેડિયો સંદેશને ટાંકી તેમણે કહ્યું હતું કે, પૃથ્વીથી 1800 પ્રકાશવર્ષ દૂર સૂર્ય જેવા કોઇ તારામાંથી આ સંદેશો આવ્યો હોઇ શકે.

અમેરિકાની ઓહા પોસ્ટે યુનિવર્સિટીના ‘બીગ ઇઅર’ ટેલિસ્કોપમાં આ રેડિયો સંદેશો ઝીલાયો હતો. એક તરફ સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી પર જ જીવન હોવાની શકયતાએ માનવજાત વિમાસણમાં મુકાઇ છે. તેથી તેણે બ્રહ્માંડમાં બીજે કયાંય જીવન છે કે નહીં તેની તપાસ આદરી ઠેર ઠેર સંકેત મોકલવા માંડયા છે અને યાન મોકલ્યા છે. તો બીજી તરફ અમેરિકાના આદિવાસીઓ પર ‘સુધરેલી’ પ્રજાના આક્રમણોનો દાખલો લઇ પૃથ્વીવાસીઓ ફફડે છે. પૃથ્વીવાસીઓ કરતાં વધુ આગળ વધેલા પરગ્રહવાસીઓ પૃથ્વીને બેહાલ તો નહીં કરે ને? આ બધા વચ્ચે પૃથ્વીવાસીઓ અન્ય ગ્રહો પર જવા છલાંગ મારી રહ્યા છે!
– નરેન્દ્ર જોષી

Most Popular

To Top