સુરત (Surat) : નાનપુરા ખાતે બર્થડે (BirthDay) પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના (Knief) ઘા ઝીંકી હત્યા (Murder) કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઉમરા વિસ્તારમાં રહેતો યુવક નાનપુરાના પટેલ ચેમ્બર પાસે મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો ત્યાં જે યુવતીને પસંદ કરતો તેને પ્રેમી સાથે વાત કરતી જોઈ હતી. અને યુવતીના પ્રેમીએ તેની પ્રેમિકાનો યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો વહેમ રાખીને તેને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી.
ઉમરાગામમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા 57 વર્ષીય રમેશભાઈ બાબુરાવ આહીરકર પાન-ગુટખાનો ધંધો કરે છે. તેમના નાના પુત્ર પાર્થ (ઉ.વ.25) ની ગઈકાલે કોસાડ આવાસ ખાતે રહેતા અઝહરે હત્યા કરી હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
મંગળવારે રાત્રે પાર્થ ઉર્ફે બાદલ તેના મિત્ર અશોક વસાવા અને રૂત્વિક નાયકાની સાથે નવસારી બજારમાં જમવા જાવુ છુ તેમ કહીને નીકળ્યા હતા. બાદમાં રાત્રે 12 વાગે તેઓ એક મિત્રનો બર્થડે હોવાથી નાનપુરા પટેલ ચેમ્બર્સ પાસે ગયા હતા. ત્યાં પાર્થનો સાળો સાગર સંજય સાલુંકે તથા રાહુલ સોલંકી પણ આવ્યા હતા.
બાદમાં તેઓ પટેલ ચેમ્બર્સના પાર્કીંગમાં ગયા ત્યાં પ્રિયંકા અને તેનો પ્રેમી અઝહર વાત કરતા હતા. પાર્થ પ્રિયંકાને પસંદ કરતો હોવાથી તેની માતાને ઓળખતો હોવાથી અને અગાઉ કોસાડ આવાસમાં રહેતો હોવાથી અવાર નવાર તેમના ઘરે જતો હતો.
બાદમાં પાર્થે પાર્કિંગમાં વાત કરતા તેમની વચ્ચે બોલાચાલી થઈ અને અઝહરે તેની પાસેના ચપ્પુ વડે પાર્થના ગળાના ભાગે, ઘુંટણ પાસે, ગુપ્તાંગની નીચે ઉપરાછાપરી 15 થી વધારે ઘા મારી દીધા હતા. પાર્થને હોસ્પિટલ લઈ જાય તે પહેલા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. યુવકની હત્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો. અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા કરાઈ : પીઆઈ
અઠવા પીઆઈ ડી.જી.રબારીએ જણાવ્યું હતું કે, નાનપુરા વિસ્તારમાં જે છોકરાની બર્થડે હતી. તેની બહેનના પૂર્વ પ્રેમી અઝરુદીન અહમેદ શેખ જે અમરોલી કોસાડ આવાસમાં રહે છે. પહેલા આ લોકો પણ ત્યાં રહેતા હતા. છેલ્લા 1 વર્ષથી તેઓ નાનપુરામાં રહેવા આવ્યા છે. આ બર્થડે પાર્ટીમાં યુવતી સાથે મિત્રતાને લઈને આરોપી અઝરુદીન અહમેદ શેખનો પાર્થ સાથે ઝઘડો થયો હતો. જેમાં પાર્થને ચપ્પુના ઘા મારતા તેનું મોત થયું છે.