મહાભારતનો એક સૌથી કરુણ અને માનવજાત માટે શરમજનક પ્રસંગ બન્યો હતો. પાંડવો કૌરવો સામે શકુનિના કપટથી જુગારમાં બધું જ હારી ગયા. આખરે સર્વસ્વ ગુમાવી ચૂકેલા યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી દીધી. તે પણ હારી ગયા. તેથી દુ:શાસન દ્રૌપદીના વાળ ખેંચીને રાજ્યસભામાં લઇ આવ્યા. દ્રોપદી માસિક ધર્મમાં હતી અને માત્ર એક જ વસ્ત્ર પહેર્યું હતું. તે અસહાય બનીને ઊભી રહી. દુ:શાસન દ્રૌપદીનો પાલવ ઝાલી વસ્ત્રને ખેંચવા લાગ્યો. દ્રૌપદી નિ:સહાય અને નિરાધાર હતી. તેની વેદના અપાર હતી.
એણે એક પછી એક પોતાના પતિઓ સામે જોયું પરંતુ તેમાંથી કોઇ પણ તેને બચાવી શકે એમ ન હતું. એણે કૌરવોના વડીલો (ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, ગુરુદ્રોણ વગેરે) તરફ મદદ માટે જોયું, પણ કોઇ તેની મદદે ન આવ્યું. આ આપત્તિ સમયે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા. તેણે આંખો બંધ કરી બે હાથ જોડી રડતાં રડતાં કહ્યું કે હે કૃષ્ણ તમે કયાં છો? તમે જ એક એવા છો કે જે મને આ કરુણ-દયાજનક સ્થિતિમાંથી બચાવી શકો એમ છો.
હું તમારે શરણે છું. તમે મને આ દૈત્યથી છોડાવો અને કૃષ્ણે દ્રૌપદીનાં ચીર પૂર્યાં. અત્યારે કોવિડને કારણે આપણી પરિસ્થિતિ પણ આવી કરુણ જ છે. આપણે સૌએ આપણા આરાધ્ય દેવને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હવે કૃપા કરીને આ મહામારીથી અમારી રક્ષા કરો! ત્રીજો વેવ આવશે. તો હજુ વધુ ને વધુ માનવસંહાર થશે! પ્રભુ, હવે અમે તારે શરણે છીએ. અમારી હૃદયપૂર્વકની પ્રાર્થનાને સાંભળી અમારી મદદે આવો! યુ.એસ.એ.-કિરીટ એન. ડુમસિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.