National

અયોધ્યા: હવે રામમંદિરનો પ્રસાદ 62 કરોડ ભક્તો સુધી પહોંચશે, વિશ્વ હિન્દુ પરિષદનો અનોખો પ્રયાસ

અયોધ્યા: રામમંદિરના ઉદ્ઘાટન પહેલા રામભક્તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક અનોખી ભેટ આપવામાં આવશે. રામ મંદિરના 62 કરોડ રામ ભક્તો સુધી અયોધ્યાના (Ayodhya) ભગવાન રામના મંદિરના (Raam Mandir) લોકાર્પણ (Opening Ceremony) પહેલા પ્રસાદ પહોંચાડવામાં આવશે. જેના માટે વિશ્વ હિન્દુ પરિષદના (Vishwa Hindu parishad) મુખ્ય અધિકારીઓને અયોધ્યા પહોંચવાના નિમંત્રણ આપવામાં આવ્યા છે.

22 જાન્યુઆરીના રોજ ભગવાન રામના મંદિરનું લોકાર્પણ થાય તે પહેલા 5 નવેમ્બરે આ અક્ષત પ્રસાદ વિશ્વ હિન્દુ પરિષદના સેવકો દ્વારા પ્રાંતથી વિભાગ, વિભાગથી બ્લોક અને આખરે રામ ભક્તોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રયાસનો મુખ્ય હેતુ દેશના પાંચ લાખ ગામડાઓને રામ મંદિરના લોકાર્પણના દિવસે પૂજા અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમ સાથે જોડવાનો છે.

અક્ષત કળશ કાર્યક્રમમાં સામેલ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને લોકાર્પણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણપત્રો આપવામાં આવ્યા છે. જેને દરેક વિસ્તારના લોકમાન્ય વ્યક્તિને આપીને લોકાર્પણ કાર્યક્રમમાં એંટ્રી આપવામાં આવશે. સાથે જ લોકાર્પણના દિવસે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચે તેવી સંભાવના હોવાથી રામ મંદિર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદએ લોકોને અયોધ્યા પહોંચવાને બદલે તેમના સ્થાનિક મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરી છે.

62 કરોડ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય: વિશ્વ હિન્દુ પરિષદ
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે જણાવ્યું હતુ કે રામ મંદિરના નિર્માણ દરમિયાન લોકો પાસેથી ફાળો એકત્રિત કરવા માટે 44 દિવસ લાગ્યા હતા. આ કાર્યક્રમ હેઠળ દેશના 13 લાખ ગામડાઓના 62 કરોડ લોકો સુધી પહોંચવામાં વિશ્વ હિન્દુ પરિષદ સફળ રહ્યું હતું. આ ઉપરાંત રામ મંદિર માટેના આંદોલનથી લઇ ભુતકાળમાં પણ લાખો લોકોએ મંદિરના નિર્માણમાં તેમની ભૂમિકા ભજવી હતી. જેથી વિશ્વ હિન્દુ પરિષદનો પ્રયાસ રામ મંદિરના લોકાર્પણમાં પણ તે તમામ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે.

વધુમાં માહિતી મળી હતી કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કળશો દ્વારા લોકો સુધી પ્રસાદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ કાર્યકર્તાઓ દેશના દરેક વ્યક્તિને 22 જાન્યુઆરીએ રામ મંદિરના લોકાર્પણના દિવસે નજીકના મંદિરોમાં પહોંચવા અને પૂજા કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ કરશે. અત્યાર સુધીમાં એક લાખથી વધુ મંદિરોમાં પૂજા કરવાની તૈયારી કરવામાં આવી છે.

Most Popular

To Top