ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના તવડી ગામે વાડામાં મરઘાં (Poultry) ચરાવવાની બાબતે ઝઘડો થતાં એક વ્યક્તિને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી (Threat) અપાતાં ત્રણ મહિલા સહિત છ ઇસમ સામે ઉમલ્લા પોલીસમાં (Police) ગુનો દાખલ થયો હતો. બબાલમાં ઘરમાં છૂટા હાથે પથ્થરોનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો.
- તવડીમાં વાડામાં મરઘાં ઘૂસવા બાબતે ધારિયાથી હુમલો, છ સામે ગુનો દાખલ
- બાલમાં ઘરમાં છૂટા હાથે પથ્થરોનો મારો પણ ચલાવવામાં આવ્યો
ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા પ્રવીણ છોટુ વસાવા અને તેમના પરિવારના સભ્યો ગત તા.૪ ફેબ્રુઆરીએ ઘરે હાજર હતા. એ વેળા ફળિયામાં રહેતા ભૂપેન્દ્ર જાલમ વસાવા હાથમાં ધારિયું લઈને, મંગીબેન ભૂપેન્દ્રભાઇ વસાવા, અન્નુબેન ભૂપેન્દ્રભાઇ વસાવા તેમજ જાલમ પુનિયા વસાવા આવીને ગાળો બોલવા માંડ્યાં હતાં. ભૂપેન્દ્ર વસાવા કહેવા લાગ્યો હતો કે, તમારા મરઘાં અમારા વાડામાં કેમ ચરાવો છો? એમ કહ્યા બાદ અન્ય ઇસમોએ પ્રવીણભાઈના ઘરમાં છૂટા હાથે પથ્થરોનો મારો ચલાવ્યો હતો.
ભૂપેન્દ્ર વસાવાએ તેના હાથમાંના ધારિયાના હાથા વડે પ્રવીણભાઇના બરડા પર મારી દીધો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. બાદ ભૂપેન્દ્ર વસાવાનો છોકરો કૌશિક અને છોકરી કોમલે આવી ગાળો બોલી હતી. અને કહેવા લાગ્યા કે તું આજે તો બચી ગયો, પણ હવે પછી તને જીવતો નહીં જવા દઈએ. આ તકરારમાં ઇજાગ્રસ્ત પ્રવીણભાઇને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ બાબતે પ્રવીણ વસાવાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં ગામની જ છ વ્યક્તિ સામે ઉમલ્લા પોલીસમાં ગુનો નોંધાવતાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ટ્રેલરમાંથી ભારે ભરખમ બ્લોક રિક્ષા પર પડ્યો
સુરત: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સિમેન્ટના બ્લોક ભરીને જતું ટ્રેલર રોડ ઉપર પડેલા મસમોટા ખાડામાં પડતાં એક સિમેન્ટનો બ્લોક રિક્ષા પર પડ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલકનો આબાદ બચાવ થયો હતો. જો કે, રિક્ષા ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી એન.એન.જી.સી ઓફિસ સુધીના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ઊંડા ખાડા પડ્યા છે. ખાડાને કારણે અકસ્માતની ભીતિ સિવાય રહી છે. ત્યારે અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની અનદેખીના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે બપોરે માર્ગ ઉપર પડેલા મોટા ખાડાને લઇ ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજપીપળા ચોકડી પરથી બ્રિજ માટેના સિમેન્ટના બ્લોક લઇ ટ્રેલર અંકલેશ્વર શહેર તરફ આવી રહ્યું હતું. જે રાજપીપળા ચોકડી નજીક મોટા ખાડામાં પડ્યા બાદ તેમાં મૂકેલો ભારે વજનદાર એક સિમેન્ટનો બ્લોક બાજુમાંથી પસાર થઇ રહેલી રિક્ષા પર પડ્યો હતો. સદનસીબે રિક્ષા ખાલી હોવાની સાથે રિક્ષાની એક તરફ જ બ્લોક પડતાં રિક્ષાચાલકનો જીવ બચ્યો હતો. આ અકસ્માતમાં રિક્ષાચાલકના હાથ પર ઈજા પહોંચી હતી.