SURAT

ઓલપાડમાં મુસ્લિમ ધર્મગુરુએ માનવતાની દૃષ્ટિએ રહેવા માટે આપેલું મકાન પચાવી પાડ્યું!

સાયણ: માનવતાની દ્રષ્ટિએ રહેવા માટે આપેલું મકાન મુસ્લિમ ધર્મગુરુએ પચાવી પાડ્યું હોવાની ફરિયાદ ઓલપાડ પોલીસમાં (Police) નોંધાવા પામી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરત શહેરના ગોપીપુરા, બડેખાં ચકલાની ખ્વાઝાદાના દરગાહ સામે મકાન નં.૧/૩૧૭૩માં હુશનોદ્દીન કામરૂદીન સૈયદ રહે છે અને સ્ટેશનરીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. તેમનું ઓલપાડ ટાઉનમાં સરકારી રેવન્યુ દફ્તરે બ્લોક નં.૩૦૭થી નોંધાયેલી મદીના રેસિડેન્સી સોસાયટીમાં મકાન નં.૭૩ આવેલું છે. આ મકાન અગાઉ તા.૨૨/૦૮/૨૦૨૦ના રોજ સલીમ રહેમાન શેખ (રહે.,૫૯૦, સુભાષનગર, રાંદેર રોડ, સુરત) બિલ્ડર રામ અવતાર અર્જુનલાલ યાદવ પાસેથી સાટાખત કરી હપ્તેથી લીધું હતું. પરંતુ આરોપી બિલ્ડરને હપ્તાની રકમ ચૂકવી ન શકતાં બિલ્ડરે ગત તા.૩૧/૧૦/૨૦૨૦ના રોજ તેનો સાટાખત કરાર રદ કરાવ્યા બાદ આ મકાન ફરિયાદી હુશનોદ્દીને વેચાણ-દસ્તાવેજથી આપ્યું હતું.

જ્યારે મદીના રેસિડન્સીમાં મકાન નં-૭૩ માર્ચ-૨૦૨૧માં બન્યું ત્યારથી જ સલીમ રહેમાન શેખ તથા તેના પિતા રહેમાન મોહસીન શેખ બંને આ મકાનમાં જ રહેતા હતા. જેથી ફરિયાદીએ મકાન લીધું ત્યારે રહેમાન મોહસીન શેખે તેને વિનંતી કરી હતી કે, અમારું મકાન બે-ત્રણ માસમાં તૈયાર થઇ જાય અથવા અમને બીજું મકાન મળે ત્યાં સુધી રહેવા માટે આપો તો સારું. આથી રહેમાન શેખ તેમના ધર્મગુરુ પણ હોવાથી તેમણે માનવતાની દૃષ્ટિએ આ મકાન રહેવા માટે આપ્યું હતું. જો કે, રહેમાન શેખે આ મકાનમાં રૂ.૫ લાખનું ફર્નિચર બનાવી દીધું હોવાથી જ્યારે મકાન ખાલી કરવાનો સમય આવ્યો, ત્યારે આરોપીએ ફર્નિચરના રૂ.5 લાખની માંગણી કરી હતી. જે રકમ ફરિયાદીએ ચૂકવી દીધા પછી પણ આ મકાન ઉપર દાનત બગાડી કબજો કરી તેમણે વધુ રૂપિયા ૭ લાખની માંગણી કરી હતી.

આથી મકાન ખાલી કરવાનું કહેતાં આ ધર્મગુરુ બાપ-દીકરાએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ મામલે તેમણે સુરત કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી ‘સીટ’માં ફરિયાદ કરી હતી. જેની તપાસમાં આ બંને બાપ-દીકરા કસૂરવાર જણાતાં કલેક્ટરે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ પોલીસ ગુનો નોંધવા હુકમ કર્યો હતો. આથી પોલીસે હુશનોદ્દીન સૈયદની ફરિયાદના પગલે સલીમ રહેમાન શેખ તથા તેના પિતા રહેમાન મોહસીન શેખ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ સુરત વિભાગીય પોલીસ અધિકારી બી.કે.વનારે હાથ ધરી છે.

Most Popular

To Top