વડોદરા : શહેરના યુવાધનને ખોખલું કરી રહેલા માધક દ્રવ્યોનું વેચાણ ચિંતાજનક વધી રહ્યું છે. ત્યારે શહેરને નશામુક્ત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા “ મિનશન ક્લિન વડોદરા…નશામુક્ત વડોદરા” અભિયાન અંતર્ગત શહેર પોલીસ તંત્રએ સપાટો બોલાવ્યો હતો. શહેર પોલીસે આજે કારમાં એમ.ડી. મેફેડ્રોન ડ્રગ્સ વેચવા નીકળેલા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ પોલીસ મથકોએ છ વ્યક્તિઓને રૂપિયા 6,600ની કિંમતના ગાંજા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એમ.ડી. ડ્રગ્સ અને ગાંજો મળી કુલ્લે રૂપિયા 4.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળેલી માહિતી પ્રમાણે જે.પી.રોડ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે કાર નં GJ-06-PC-0957 નો ચાલક તથા તેની બાજુમાં બેસેલા વ્યક્તિ પાસે ડ્રગ્સની પડીકીઓ છે અને તે વેચાણ કરવા માટે જુના પાદરા રોડ તરફથી રાજવી ટાવર તરફ આવવાનો છે. જેથી પોલીસે વોચ ગોઠવી સપન અજયભાઇ બ્રહ્મભટ્ટ ( રહે.- , શિવમ પાર્ક સોસાયટી, સરદાર એસ્ટેટની પાછળ ,આજવા રોડ, વડોદરા) તથા રાજેશ્વરસિંગ ભુપેન્દ્રસિંગ રૂંવાર (રહે- ક્રિષ્ના ફલેટ, પાશ્રવનગર સોસાયટી, વાસણા રોડ, વડોદરા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસ દરમ્યાન તેમની પાસેથી 2700 નું એમ.ડી. એફેડ્રોન ડ્રગ્સ નો 2.70 કિ.ગ્રા જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સનો જથ્થો, બે મોબાઇલ ફોન તથા કાર સહિત રૂપિયા 4,12,700 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
હરણી પોલીસ મથકનો સ્ટાફ માણેક પાર્ક સર્કલ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા. તે સમયે શંકાસ્પદ પસાર થતી ઓટોરિક્ષાને અટકાવી તપાસ કરતા રિક્ષા ડ્રાઈવરના ખિસ્સામાંથી ગાંજો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી મહંમદહુસેન સલીમમિયા શેખ ( રહે – ભાંડવાળા, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂપિયા 740 નો 3.70 ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ 41,240 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જવાહર નગર પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે મુન્ના બરખા ગીરી (રહે – સ્મશાન પાસે, કોયલી ) મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી રાજવીરસિંહ સરદારસિંહ રાજપુત ( રહે- સ્મશાન પાસે ,કોયલી, મૂળ રહે – ગંગોત્રી એપાર્ટમેન્ટ, પ્રતાપ નગર ,વડોદરા) ને ઝડપી પાડયો હતો. તપાસ કરતા મકાનના રૂમમાં રહેલા ડબ્બાની અંદર સંતાડેલો થેલો મળી આવ્યો હતો. જેમાંથી રૂ 3692 ની કિંમતનો 369 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ પાણીગેટ વિસ્તારમાં રહેતા કાદર નામના વ્યક્તિ પાસેથી 6 હજારમાં ગાંજાનો જથ્થો ખરીદ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે કાદર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
જ્યારે સમા પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, સમા વિસ્તારમાં નહેરુનગર પાસેની ફતેહબાગ સોસાયટીમાં રહેતો ભરતભાઈ પ્રતાપસિંહ ચૌહાણ તેના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઉપરોક્ત શખસને ઝડપી પાડયો હતો. તપાસ દરમ્યાન તિજોરીમાં કપડાની વચ્ચે સંતાડેલો રૂપિયા 885 ની કિંમતનો 88 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ ગાંજાનો જથ્થો પાણીગેટ વિસ્તારમાં જી.ઇ.બી ઓફીસની પાછળ આવેલા જહુશાના ટેકરા ખાતેથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સયાજીગંજ પોલીસ મથકને ચોક્કસ માહિતી મળી હતી કે ,પરશુરામ ભઠ્ઠા ખાતે સુભાષ નગર દરગાહની સામે મહિલા ગાંજાનું વેચાણ કરે છે. જેથી પોલીસે દરોડો પાડી ઝરીના શેરખાન શેખને 1400ની કિંમતના 140 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી હતી. આમ વડોદરા પોલીસે “ મિશન ક્લીન વડોદરા નશામુક્ત વડોદરા “ અભિયાન હેઠળ વીતેલી રાત્રે ચાર સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરતા માદક દ્રવ્યોનું વેચાણ કરતાં તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.