Gujarat

PM મોદીનો આક્ષેપ: કોંગ્રેસના લીધે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબ્જામાં ગયો

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પ્રસંગે આજ રોજ તા. 31 ઑક્ટોબર શુક્રવારે ગુજરાતના એકતા નગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રીય એકતા દિવસના આ અવસરે મોદીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસની નીતિઓ પર કડક પ્રહાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જામાં ગયો.

PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે સરદાર પટેલે દેશના 550થી વધુ રજવાડાઓને એકતામાં બાંધવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું. પરંતુ દુર્ભાગ્યવશ તેમનાં અવસાન પછીની સરકારોએ તેમની નીતિઓનું પાલન ન કર્યું. તેમણે આક્ષેપ કર્યો કે કાશ્મીર પર થયેલી ભૂલો, ઉત્તરપૂર્વમાં ઊભી થયેલી સમસ્યાઓ અને નક્સલવાદ-માઓવાદી હિંસા રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે મોટા પડકાર બની ગયા.


મોદીએ કહ્યું “સરદાર સાહેબ ઇચ્છતા હતા કે સમગ્ર કાશ્મીર ભારતનો ભાગ બને. જેમ તેમણે અન્ય રજવાડાઓને જોડ્યા હતા. પરંતુ નેહરુજીએ તેમની ઇચ્છા પૂર્ણ થતી અટકાવી. તેના પરિણામે કાશ્મીરને અલગ બંધારણ અને ધ્વજ મળ્યો. તેમજ આજે જે સમસ્યાઓ આપણે જોયી રહ્યા છીએ તે એ સમયની ભૂલોના પરિણામ છે.”

તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસની નબળી નીતિઓને કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં ગયો અને પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને પ્રોત્સાહન આપ્યું. મોદીએ કહ્યું કે કાશ્મીર અને ભારત દેશે આ નીતિઓની ભારે કિંમત ચૂકવી છે. છતાં કોંગ્રેસે આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું નથી.

વડાપ્રધાને જણાવ્યું કે આજનું ભારત “સરદાર પટેલનું ભારત” છે. જે પોતાની સુરક્ષા અને સન્માન પર કોઈ સમાધાન કરતું નથી. કલમ 370 દૂર કર્યા પછી કાશ્મીર હવે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે અને ભારત આજે આતંકવાદનો મક્કમ જવાબ આપી રહ્યું છે.

રાષ્ટ્રીય એકતા પરેડ

કાર્યક્રમ પહેલાં યોજાયેલી “રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ”નું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું. BSF, CISF, ITBP, CRPF અને અન્ય દળોની કુલ 16 ટુકડીઓએ ભાગ લીધો.

ભવિષ્યનો કાર્યક્રમ
મોદીએ જાહેરાત કરી કે ‘ભારત પર્વ 2025’નું આયોજન 1 થી 15 નવેમ્બર દરમિયાન એકતા નગર ખાતે કરવામાં આવશે, જેમાં દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને એકતાનો સંદેશ રજૂ થશે.

Most Popular

To Top