ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદના (Rain) પગલે કેટલાક શહેરોમાં પરિસ્થિતિ વણસી હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત (Surat) સહિત વલસાડ, નવસારી ,ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર (Flood) જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે ટૅલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે ગુજરાતની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.
ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અમદાવાદ સહિત સુરત, ડાંગ જિલ્લામાં નદી, નાળા છલકાયા હતા. વલસાડ અને નવસારીમાં તો નદીમાં પૂર આવ્યું હતું. જેના કારણે આસપાસના તમામ ગામોમાં નદીનું પાણી ઘૂસી ગયું હતું. આ તમામ પરિસ્થિતિ અંગે પીએમ મોદીએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. સાથે તેમણે તમામ પ્રકારની મદદ અંગે આશ્વાસન પણ આપ્યું હતું. NDRF સહિતની તમામ પ્રકારની મદદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી કરી હતી. ભાજપના પ્રેદશ અધ્યક્ષ સી આર પાટીલ પણ ટ્વીટ કરી ભારે વરસાદમાં ફસાયેલા લોકોની મદદ કરવા અંગે કાર્યકર્તાઓને સૂચન કર્યા છે. સી. આર. પાટીલે કહ્યું છે કે ભાજપના તમામ કાર્યકર્તાઓને અપીલ છે કે તેઓ ફિલ્ડ પર કાર્યરત રહે, તેમના આસપાસના પૂરગ્રસ્ત ગામોમાં જઈ લોકોને મદદ કરે. અને જરૂર જણાય તો ભાજપ કાર્યલયનો સંપર્ક કરે.
ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓને રેડ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 11 જુલાઈથી 15 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવનના છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિત અન્ય જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ, ગીર-સોમનાથ સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણ સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સુરત જિલ્લાના કલેક્ટરે (CollectorSurat) જાણકારી આપતા જણાવ્યું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત જિલ્લામાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 13થી 15 જુલાઈએ ખુબ જ ભારે વરસાદના કારણે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ કરે નહીં.