Gujarat Main

પીએમ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત ગુજરાતમાંથી કરી : હવે 2005 પહેલાનાં વાહનો ભંગારમાં જશે

પીએમ નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ સમારંભમાં શુક્રવારે નવી વ્હિકલ સ્ક્રેપેજ પૉલિસી જાહેર કરી હતી. પીએમ મોદીએ કરેલી જાહેરાત મુજબ વર્ષ 2005 પહેલાનાં વાહનો ભંગારમાં જશે. દેશમાં પ્રથમ અલંગ ખાતે સ્ક્રેપ પાર્ક બનશે. દેશમાં હવે વર્ષ 2005 પહેલાંના જૂના વાહનોનો વૈજ્ઞાનિક પદ્ધતિએ નિકાલ કરવામાં આવશે. જોકે, આ વાહનો ઉંમર નહીં પરંતુ ફિટનેસના આધારે ભંગારમાં મોકલવામાં આવશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુક્રવારે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વોલન્ટરી વ્હિકલ ફ્લિટ મોડર્નાઇઝેશન (વી-વીએમપી) પ્રોગ્રામ અંતર્ગત પહેલી સ્ટેટ ઇન્વેસ્ટર સમિટમાં દેશના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ પહેલાંના આજના આ કાર્યક્રમને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવી, નવી સ્ક્રેપેજ પૉલિસીને કચરામાંથી કંચન બનાવવાના અભિયાન સાથે સરખાવી હતી. મોદીએ જણાવ્યું હતું દેશના અર્થતંત્ર માટે મોબિલિટી એ અત્યંત મહત્વનું પાસુ છે અને તેમાં આવેલી આધુનિકતા થકી ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટેશનનો બોજો તો ઘટશે જ, સાથોસાથ આર્થિક વિકાસ પણ વધુ ઝડપી બનશે.

૧૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સાથે ૫૦ હજારથી વધુ રોજગારીની નવી તકોનું નિર્માણ થવાનો આશાવાદ

તેમણે કહ્યું હતું કે તેનાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણીય સમતુલા જાળવવામાં પણ ઉપયોગી થઈ પડશે. 3R- ‘રિયુઝ, રિ-સાઇકલ અને રિકવરી’ના મંત્રની મદદથી ઓટોસેક્ટરમાં આત્મનિર્ભરતાને નવી ઊર્જા મળવાની સાથે દેશમાં ૧૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સાથે ૫૦ હજારથી વધુ રોજગારીની નવી તકોનું નિર્માણ થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, આ પૉલિસી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ઓટો અને મેટલ ઇન્ડસ્ટ્રીને પણ નવી ઊર્જા આપશે. આ પૉલિસીને લાગુ કરીને, ઓટોમોબાઇલ સેક્ટર, ઓટોમોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટમાં યોગદાન આપશે, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે.


મોદીએ જણાવ્યું હતું કે આ નવી સ્ક્રેપેજ પૉલિસીથી દેશની મોબિલિટીને, દેશના ઓટો સેક્ટરને નવી ઓળખ મળશે. તદુપરાંત, દેશમાં વ્હિકલ પોપ્યુલેશનના મોડર્નાઇઝેશનમાં અને અનફિટ વ્હિકલને વૈજ્ઞાનિક પદ્ધતિથી રસ્તા પરથી દૂર કરવામાં પણ આ પૉલિસીની મહત્ત્વની ભૂમિકા બની રહેશે. એટલું જ નહીં, દેશના પ્રત્યેક નાગરિક, ઇન્ડસ્ટ્રી સેક્ટર અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ હકારાત્મક પરિવર્તન આવશે

નવી સ્ક્રેપેજ પૉલિસી આગામી 25 વર્ષ આપણા માટે વધુ મહત્ત્વની બની રહેશે

મોદીએ જણાવ્યું હતું કે ‘નવી સ્ક્રેપેજ પૉલિસી આગામી 25 વર્ષ આપણા માટે વધુ મહત્ત્વની બની રહેશે. આ વર્ષોમાં આપણી કામકાજની પદ્ધતિ, રોજગાર, વ્યાપાર કારોબારીમાં અનેક પરિવર્તનો આવશે. નવી ટેકનોલૉજીમાં બદલાવની સાથે દેશના નાગરિકોની લાઇફસ્ટાઇલ અને અર્થતંત્રમાં પણ અનેક ફેરફારો થયા છે. આમ છતાં, પર્યાવરણ, જમીન અને કાચામાલની રક્ષા એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો અત્યંત જરૂરી છે. આજે ટેકનોલૉજી માટે જમીનમાંથી મળતાં રેર મટિરિયલ્સ મહત્ત્વના છે.

ભવિષ્યમાં ટેક્નોલૉજિકલ ઇનોવેશન્સ પર કામ થશે, પરંતુ ધરતીમાંથી મળતાં આ ખનીજો નહીં હોય તેમજ અત્યારે જે ખનીજો ઉપલબ્ધ છે, તે પણ ઓછા થઈ જશે. આ માટે અત્યારે ડીપ ઓશન મિશનના માધ્યમથી નવી સંભાવનાઓની શોધખોળ ચાલી રહી છે, તો બીજી તરફ સરક્યુલર ઇકોનોમીને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ સામે ક્લાઇમેટ ચેન્જના પડકારો ઊભા છે, ત્યારે અમારો પ્રયત્ન વિકાસને સ્થિરતા આપવાનો છે. આ માટે અક્ષયઊર્જાની દિશામાં મહત્ત્વની કામગીરી થઈ રહી છે.

ખાસ કરીને સૌરઊર્જા, પવનઊર્જા, બાયોફ્યૂઅલમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે. સ્વચ્છતા અને આત્મનિર્ભરતાની સાથે વેસ્ટ એટલે કે કચરાનો પણ મહત્ત્વપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે. આજે રિ-સાઇકલિંગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આવા જ પ્રયાસોમાં ઓટોમોબાઇલનું પણ નામ જોડાયું છે. તેનાથી અનેક સામાન્ય પરિવારોને ઘણો ફાયદો થશે.’ તેમ પીએમ મોદીએ કહ્યું હતું.

ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટીની દિશામાં નક્કર આયોજન અંગે તેમણે કહ્યું હતુંકે ઈન્ડ્રસ્ટ્રીયલ સેફટી માટે દેશ કટિબદ્ધ છે અને બીએસ-૪માંથી બીએસ-૬ ટેક્નોલૉજીનો ઉપયોગ એ આ દિશામાં લેવાયેલું જ એક પગલું છે. ક્લિન અને ગ્રીન મોબિલિટી માટે સરકાર દ્વારા વ્યાપકસ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. આજે ઇથેનોલ, હાઇડ્રોજન ફ્યૂઅલ અથવા ઈલેક્ટ્રિક મોબિલિટીનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે ઔદ્યોગિક ભાગીદારીની પણ એટલી જ જરૂર છે.

જુનું વાહન સ્ક્રેપમાં આપનારને નવું વાહન ખરીદતી વખતે રજિસ્ટ્રેશનની કોઈ રકમ ચૂકવવી નહીં પડે, રોડ ટેક્સમાં પણ રાહત

નવી સ્ક્રેપ પૉલિસી દ્વારા સામાન્ય પરિવારોને થનારા વિવિધ લાભ અંગે મોદીએ જણાવ્યું હતું કે પોતાનું જૂનું વાહન સ્ક્રેપમાં આપનારને આ પૉલિસી અંતર્ગત એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જે બતાવવાથી નવું વાહન ખરીદતી વખતે રજિસ્ટ્રેશનની કોઈ રકમ ચૂકવવી પડશે નહીં. ઉપરાંત, રોડ ટેક્સમાં પણ રાહત મળશે. આ સિવાય, નવા વાહનની મેઇન્ટેનન્સ કોસ્ટ, રિપેરિંગ, ફ્યૂઅલ એફિસિયન્સીમાં પણ ફાયદો થશે. આ પૉલિસીનો ત્રીજો અને મહત્ત્વનો ફાયદો સીધો માનવીના જીવન સાથે જોડાયેલો છે. જૂની ટેક્નોલૉજીવાળા વાહનો સ્ક્રેપમાં જવાથી માર્ગ અકસ્માતોમાંથી પણ મુક્તિ મળશે. નવાં વાહનો થકી પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાના લીધે તે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની રહેશે. આ ઉપરાંત, આ નવી પૉલિસી અંતર્ગત વાહનોનું ફિટનેસ માત્ર તેની ઉંમરના લીધે નહીં, પરંતુ સંપૂર્ણ સાયન્ટિફિક રીતે ચકાસવામાં આવશે.

અલંગ હવે જહાજો પછી વાહનોના સ્ક્રેપિંગનું પણ હબ બનશે
ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનો ઉલ્લેખ કરતાં તેમણે હતું કે આજે અલંગ શિપ રિ-સાઇકલિંગનું હબ બન્યું છે અને વિશ્વમાં આ ક્ષેત્રમાં અલંગનો હિસ્સો વધી રહ્યો છે. જેના કારણે રોજગારીની નવી હજારો તકો ઊભી થઈ છે. અને હવે જહાજો પછી વાહનોના સ્ક્રેપિંગનું પણ હબ બનશે. પરિણામે, આ દિશામાં નવી ઊર્જા મળશે અને આ વ્યવસાય સાથે જોડાયેલા કામદારોના જીવનમાં અનેક સુધારાઓ આવશે. તેમને પણ સંગઠિતક્ષેત્રના અન્ય કામદારોની જેમ અનેક લાભો મળતા થશે.

હવે વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી રેર અર્થ મેટલનું પણ રિ-સાઇકલિંગ શક્ય બનશે
વડાપ્રધાને જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે દેશના ઉદ્યોગોને સસ્ટેનેબલ અને પ્રોડક્ટિવ બનાવવા માટે સતત કામ થઈ રહ્યું છે. ગયા વર્ષે દેશમાં ૨૩,000 કરોડનું સ્ક્રેપ સ્ટીલ ઇમ્પોર્ટ કરવું પડ્યું હતું. કારણ કે, ભારતમાંથી મળતું સ્ક્રેપ સ્ટીલ ઉપયોગી હોતું નથી. કીમતી ધાતુઓનું રિ-સાઇકલિંગ થઈ શકતું નથી, પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી રેર અર્થ મેટલનું પણ રિ-સાઇકલિંગ શક્ય બનશે. દેશમાંથી જ પૂરતો સ્ક્રેપ મળી આવવાના કારણે આયાત પર ઓછા આધારિત રહેવું પડશે. જેનો ફાયદો થશે અને આગામી ૨૫ વર્ષમાં આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં નવો વેગ મળશે.

ગુજરાતની મહિલાઓ ફાટેલા કપડામાંથી ગોદડાં બનાવતી, આ ગોદડાં ફાટે એટલે તેનો ઉપયોગ પોતું મારવામાં થતો: આ પદ્ધતિનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી કચરામાંથી કંચન બનાવાશે
નવી સ્ક્રેપેજ પૉલિસીને ગુજરાતથી લૉન્ચ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરક્યુલર રિફોર્મ એ ગુજરાત માટે નવી બાબત નથી. વર્ષોથી ગુજરાતની વડીલ મહિલાઓ ફાટેલાં કપડાંમાંથી ગોદડાં બનાવતી અને આ ગોદડાં ફાટે એટલે તેનો ઉપયોગ પણ પોતું કરવામાં કરતી આવી છે. હવે, આપણે આ પદ્ધતિને માત્ર વૈજ્ઞાનિક ઢબે આગળ ધપાવવા જણાવી કચરામાંથી કંચન બનાવવાના આ અભિયાનને આગળ લઈ જવા બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top