Top News

વ્હાઈટ હાઉસની બાલ્કનીમાં કમલા હૈરિસ અને મોદી વચ્ચે વાતચીત: પાકિસ્તાનની ચિંતામાં થયો વધારો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા છે. અહીં તેઓ ગુરુવારે અમેરિકાના મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કમલા હૈરિસે જાતે જ આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હૈરિસે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો કામ કરી રહ્યાં છે. આ સાથે જ હૈરિસે આતંકવાદીઓ વિરુદ્ધ ઈસ્લામાબાદને કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ભારત અને અમેરિકા વચ્ચેની સુરક્ષા અસરગ્રસ્ત નહીં થાય.

પ્રધાનમંત્રી મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં ઉપરાષ્ટ્રપતિ હૈરિસ સાથે મિટીંગ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ભારત-અમેરિકાની રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ લોકતંત્ર, અફઘાનિસ્તાન અને હિન્દપ્રશાંત પરના જોખમો સહિત સામાન્ય હિતના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ભારતીય મૂળના અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વોક ધ ટોક ચાલતા આવતા વ્યાપક મુદ્દાઓની ચર્ચા કરી હતી. વ્હાઈટહાઉસના વિશાળ ટેરેસ પર બંને નેતાઓમાં કોઈ સહાયકની મદદ વગર જ સીધી ચર્ચા થઈ હતી. બાદમાં મોદી-હેરિસે પ્રતિનિધિમંડળની હાજરીમાં દ્વીપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કમલા હૈરિસે જાતે જ ભારતમાં પાક પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉંચક્યો હતો. પાકિસ્તાનમાં આતંકી સંગઠન સક્રીય છે તે હૈરિસે સ્વીકાર્યું હતું. આતંકી સંગઠનો પાક સરકાર ઈસ્લામાબાદનું સંરક્ષણ છે. પાકના આતંકી સાથેની સાંઠગાંઠ આ મુલાકાત દરમિયાન બેનકાબ થઈ હતી.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, કમલા હૈરિસ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની મુલાકાતમાં આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચેની ચર્ચામાં જ્યારે આતંકવાદનો મુદ્દો સપાટી પર આવ્યો ત્યારે અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ જાતે જ આતંકવાદમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રૃંગલા અનુસાર હૈરિસે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો કામ કરી રહ્યાં છે.

શ્રૃંગલાએ કહ્યું કે, હૈરિસે પાકિસ્તાન પર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ લાવવાની શરૂઆત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત અને અમેરિકાની સુરક્ષા જોખમમાં નહીં મુકાય તે બાબતે અમેરિકન સરકાર સભાન છે. સરહદ પર આતંકવાદને લઈને પ્રધાનમંત્રી સાથે હૈરિસ સંમત હતા અને એ સ્વીકાર્યું હતું કે ભારત કેટલાંય દાયકાઓથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આતંકવાદી સંગઠનોના સમર્થન કરનાર પાકિસ્તાન પર નિયંત્રણ અને બાજ નજર રાખવી જરૂરી હોવાનો ઉલ્લેખ હૈરિસે કર્યો હતો. હૈરિસે કહ્યું કે લોકશાહીની રક્ષા કરવી એ બંને દેશોની જવાબદારી છે અને તે બંને દેશના નાગરિકો માટે હિતમાં છે.

આજે મોદી-બાઈડન વચ્ચે થશે ચર્ચા, પાકિસ્તાન કેન્દ્રમાં રહેશે

ગુરુવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસને મળ્યા બાદ આજે શુક્રવારે પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યાર બાદ પીએમ મોદીની આ પહેલી મુલાકાત છે. બંને જણા આમને સામને પહેલીવાર મળશે. છેલ્લાં કેટલાંક દિવસોમાં વૈશ્વિક પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાય છે. ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે મોદી અને બાઈડન વચ્ચે વૈશ્વિક સુરક્ષાને લઈને ચર્ચા થાય તેવી શક્યતા છે. ખાસ કરીને પાકિસ્તાન અને આતંકવાદ કેન્દ્રમાં રહે તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top