National

PM મોદીની મોટી જાહેરાત: કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને અપાશે 10 લાખની સહાય

નવી દિલ્હી: (Delhi) કોરોના રોગચાળા દરમિયાન માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો (Orphans) માટે રાહતના સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી ઘોષણા કરી છે જે અનુસાર કોરોનાને કારણે માતાપિતા અથવા વાલીઓ (Parents) બંને ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ (PM-Care for Children) યોજના હેઠળ 10 લાખ રુપિયાની સહાય (Relief) કરવામાં આવશે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક ભથ્થુ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેયર્સમાંથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે. સાથે સરકાર તરફથી અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે. પીએમઓએ આ અંગે માહિતી આપી છે.

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને 18 વર્ષના થવા સુધી માસિક ભથ્થુ આપવામાં આવશે અને 23 વર્ષના થવા પર પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે ફ્રી શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર બાળકો 18 વર્ષના થશે ત્યાં સુધી પાંચ લાખનો ફ્રી સ્વાસ્થ્ય વિમો પણ મળશે. આ સાથે બાળકોને સારા શિક્ષણ માટે એજ્યુકેશન લોન અપાવવામાં મદદ કરાશે અને તેનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી આપવામાં આવશે. 

તામિલનાડુ સરકાર આપશે અનાથ બાળકોને 5 લાખની સહાય

બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કોવિડ 19ને કારણે પોતાના માતાપિતા બંને ગુમાવનારા બાળકોને 5 લાખ રુપિયા સહાયતા આપવાની જાહેરાત કરી છે. સ્ટાલિને શપથ લીધા બાદ પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ સૌથી પહેલા કોરોના રાહતના રૂપમાં દરેક પરિવારને 4,000 રૂપિયા આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન જીવ ગુમાવનારા ડૉક્ટરોના પરિવાર માટે સહાયતાની જાહેરાત કરી છે. તેમણે ડૉક્ટરોના પરિવારને 25 લાખ રૂપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. સ્ટાલિને આરોગ્યકર્મીઓને પણ પ્રોત્સાહનની જાહેરાત કરી જે કોરોનામાં દર્દીઓની સારવારમાં સામેલ હતા.

અમદાવાદમાં શાળા સંચાલકો દ્વારા ફી માફી

અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ અભિયાન “સંગાથ’ શરૂ કરવા જઇ રહ્યુ છે. જેમાં તેમની શાળામાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કે જેમને કોરોનાકાળમાં પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા છે, તેમની બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. સાથે-સાથે આ પ્રકારના કિસ્સા ધરાવતા જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20ની ફી ભરી હશે, તે પણ પરત કરવામાં આવશે. 

Most Popular

To Top