ઓલ ગુજરાત વાલી મંડળ (Gujarat Wali Mandal) દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ 10 માં માસ પ્રામોશન આપવા બાબતે PIL કરાઈ છે. કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા (Board Exam) રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાતમાં પણ ધોરણ 10 માં માસ પ્રમોશન આપવામાં આવે તેવી વાલી મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. ગુજરાતમાં (Gujarat) ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળે ગુજરાત હાઇકોર્ટમાં ધો.10ની પરીક્ષા મોકૂફ રાખી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તેવી પિટિશન દાખલ કરી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આગામી તારીખ 15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે કે દેશના 7 રાજ્યોએ ધોરણ 10 ની પરીક્ષા રદ કરી છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, નવી દિલ્હી, તામિલનાડુ, જમ્મુ અને કાશ્મીર અને, મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે. મહામારી અટકવાનું નામ નથી લઈ રહી. ઉપરથી કોરોનાના બીજા વેવમાં અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10 ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.
CBSC અને ICSC એ પણ કોરોનાની પરિસ્થિતિને જોતા પરીક્ષા રદ કરી છે. CBSC દ્વારા વિદ્યાર્થીઓના પાછલા પરફોર્મન્સના આધારે પરિણામ જાહેર કરવામાં આવશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાને નાથવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં કેસ ઘણા વધી રહ્યા છે. પિટિશનરે અરજીમાં રજૂઆત કરી છે કે, જો ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા યોજાશે તો પરીક્ષાના દિવસે માત્ર વિદ્યાર્થીઓ જ નહિ પણ શિક્ષકો, વાલીઓ પણ શાળાએ આવશે અને શાળાઓ અને તેની આસપાસ ભીડ ભેગી થશે. એટલે હિતાવહ છે કે ધોરણ 10 ની પરીક્ષાને રદ કરવામાં આવે.