નવી દિલ્હી: અમેરિકાના (America) સાઉથ ટેક્સાસમાં (South Texas) એક ગોઝારો અકસ્માત (Accident) થયો છે. અહીં બસ સ્ટોપ પર ઉભેલા શરણાર્થીઓના જૂથને એક બેફામ દોડતી કારે કચડી નાંખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રેન્જ રોવરના ડ્રાઈવરે રવિવારે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ભીડમાં કાર ચલાવી હતી. હજુ સુધી એ જાણી શકાયું નથી કે તે માત્ર અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવેલ ગુનો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા.
બેઘર લોકોની સેવા કરતા શરણાર્થી કેન્દ્રની બહાર એકઠા થયેલા શરણાર્થીઓ પર કારના ડ્રાઈવરે કાર દોડાવી મુકી હતી. બ્રાઉન્સવિલે પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ડ્રાઈવરની જાહેરમાં ઓળખ થઈ નથી. આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેના પર બેદરકારી અને બેદરકારીથી ડ્રાઇવિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસ ટોક્સિકોલોજી રિપોર્ટના પરિણામોની રાહ જોઈ રહી છે. ન્યાયાધીશ ટ્રેવિનોએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું કે ઈરાદાપૂર્વક વાહન ચલાવ્યું હતું. તેમણે કહ્યું કે ડ્રાઈવર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 10 અન્ય લોકોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કચડાયેલા મોટાભાગના સ્થળાંતર વેનેઝુએલાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માતના સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ઓઝાનમ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિક્ટર માલ્ડોનાડોએ જણાવ્યું હતું કે, ‘ડ્રાઈવરે લગભગ 20 લોકોને કચડી નાખતા પહેલા રેડ લાઈટ ઓળંગી હતી. આ પછી બધે મૃતદેહો જ દેખાતા હતા. લોકોના ટોળાએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડ્રાઇવરને પકડી લીધો હતો. એડર હર્નાન્ડીઝ નામના પ્રત્યક્ષદર્શીએ કહ્યું, ‘મેં બધું મારી પોતાની આંખોથી જોયું. તે એક ભયંકર દ્રશ્ય હતું. હું ગભરાઈ ગયો અને આઘાતમાં મેં રસ્તો ક્રોસ કર્યો.