Vadodara

ડ્રેનેજ અને પીવાના પાણી માટે બજેટમાંકરોડોનું આંધણ છતાં પ્રજા પરેશાન

બજેટની સામાન્ય સભામાં વરસાદી કાંસ, ડ્રેનેજ અને પીવાના પાણીના મુદ્દો ઉછળ્યા
બપોરે શરુ થયેલી વિશેષ સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી
(પ્રતિનિધિ) વડોદરા, તા. 19
મહાનગરપાલિકાની બજેટ મંજૂર કરવા માટે મળેલી વિશેષ સામાન્ય સભામાં શહેરમાં પીવાના પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસમાં ગંદકીનો મુદ્દો ઉછળ્યો હતો. સોમવારે બપોરે 3 કલાકે શરુ થયેલી વિશેષ સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી હતી.
વડોદરા શહેરના વિકાસ માટે 5 હજાર કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ મંજુર કરવા માટે વિશેષ સામાન્ય સભા બોલાવવામાં આવી. સોમવારના રોજ સવારે મળનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી. અને બપોર બાદ આ સભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બપોરે 3 કલાકે સભાગૃહમાં બજેટ મંજૂરી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સત્તા પક્ષના નેતા મનોજ પટેલ દ્વારા બજેટના વિવિધ મુદ્દાઓ સભામાં રજુ કરવામાં આવ્યા હતા અને આ બજેટને આવકારી શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ હોવાનું જણાવ્યું હતું. આ બજેટમાં તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત શહેરના તમામ ક્ષેત્રમાં વિકાસના કામો મુકવામાં આવ્યા હોવાનું તેઓએ ઉમેર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા 551 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જેથી આગામી સમયમાં કર્મચારી અને ક્લાર્ક કક્ષાના અધિકારીઓની ઘટ નહિ પડે.
વિપક્ષ દ્વારા આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ ગણાવી જણાવ્યું હતું કે ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બજેટ રજૂ થયું હતું જેથી તેમાં કર દરમાં વધારો કરાયો હતો ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી પહેલા બજેટ મુકવામાં આવ્યું છે અને તેમાં વધારો નથી એટલે અમે કહીએ છે કે આ ચૂંટણી લક્ષી બજેટ છે. વિપક્ષના કોર્પોરેટર જહા ભરવાડે જણાવ્યું હતું કે અગાઉ વડોદરા મહાનગરપાલિકાને જે ઓકટ્રોય મળતી હતી તેનાથી ઘણા વિકાસના કામો થતા હતા પરંતુ ઓકટ્રોય બંધ થયા બાદ સરકાર દ્વારા તેના બદલામાં જે ગ્રાન્ટ મળી રહી છે તેમાં ઘટાડો જોવા મળે છે. 2007 માં સરકાર દ્વારા 21 કરોડ જેટલી રકમ આપવામાં આવી હતી જેમાં નજીવો વધારો થઇ હાલમાં 28 કરોડ ઉપર પહોંચી છે. ત્યારે સરકાર પાસે વધુ નાણાંની માગ કરવી જોઈએ. વિપક્ષ દ્વારા હરણી કાંડનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે પાલિકા પીપીપી મોડલ અંતર્ગત સસ્તા ભાવે કોન્ટ્રાક્ટરને ઈજારો આપી પોતાનું જ નુકસાન કરી રહ્યું છે. સભામાં પીવાના પાણી અને ડ્રેનેજના મુદ્દે પણ ચર્ચા જોવા મળી હતી. મોડી સાંજ સુધી બજેટ અંગે ચર્ચા ચાલી હતી.

Most Popular

To Top