ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં પાંચ વર્ષ બાદ ફરી પાટીદાર (Patidar) પાવર જોવા મળશો. ચૂંટણી (Election) પહેલા પીએમ મોદીનો આ ગુજરાત માટે માસ્ટર સ્ટ્રોક છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી (CM) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સવા વરસ પછી એટલે કે 2022ના નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાજ્યમાં અત્યારસુધી ફક્ત લેઉવા પાટીદાર મુખ્યમંત્રી બનતા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની પહેલીવાર કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થતા રાજ્યમાં પાટીદારોનું પલડું ભારે રહેશે તેમ કહેવું ખોટું નથી.
ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા હતા. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને ઉતાર્યા હતા. ત્યારે નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિયુક્ત કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે.
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ બેવાર મુખ્યમંત્રી બન્યા જોકે તેઓ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. 2015માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.
વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો
જણાવી દઈએ કે મુખ્યમંત્રીની પસંદગી માટેની બેઠકમાં સી.આર.પાટીલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ સહિતના અનેક નામો ચર્ચામાં હતા. દરમિયાન બપોરે 3.00 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ શરૂ થઈ હતી. આ પહેલા કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં દિલ્હીથી આવેલા નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ લોકોના આશ્ચર્યની વચ્ચે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણમાં એક નવો ચહેરો મૂકીને પીએમ મોદીએ ફરી સૌને ચોંકાવી દીધા હતા.