Gujarat Main

પાટણમાં સગાભાઈ અને 14 માસની ભત્રીજીની ઠંડા કલેજે હત્યા નિપજાવનાર બહેનને મળી આ સજા

પાટણ: (Patan) પાટણમાં વર્ષ 2019માં પોતાના ભાઈ અને 14 માસની ભત્રીજીની હત્યા (Murder) કરનાર બહેનને (Sister) કોર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે. કિન્નરી પટેલ જે વ્યવસાયે ડેન્ટિસ્ટ છે તેણે પોતાના જ સગા ભાઈ (Brother) અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. મળતી માહિતી અનુસાર પરિવારમાં તેનો માન મોભો જળવાતો ન હોવાના કારણે તેણે આ પગલું ભર્યું હતું. બહેને તેના સગા ભાઈને પહેલાં તો ધતૂરાનું પાણી આપી માનસિક રીતે અસ્થિર કર્યો હતો. ત્યારબાદ કેપ્સ્યૂલમાં સાઇનાઇડ (Cyanide) આપી ઠંડા કલેજે તેની હત્યા કરી હતી. આટલેથી બાકી હોય તેમ ભાઈની હત્યાના પંદર દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઇનાઈડ આપી હત્યા કરી હતી.

પાટણનો એક કંપાવી દેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આમ તો આ ઘટના વર્ષ 2019ની છે પરંતુ તે અંગે ચુકાદો આપતા પાટણની એડિશનલ કોર્ટએ આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. 2019માં વ્યવસાયે ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે પોતાના જ સગા ભાઈ જિગર પટેલ અને ભત્રીજી માહી પટેલને સાઈનાઈડ આપી હત્યા નીપજાવી હતી. ઉપયોગમાં લીધેલું સાઈનાઈડ અમદાવાદ માણેકચોકમાં આભૂષણોને ગિલેટ કરવાનો વ્યવસાય કરતા એક શખસ પાસેથી લાવી હતી. અમદાવાદમાં કાયમી સોના-ચાંદીના દાગીના લેતી કિન્નરીએ તે વેપારીને મળી પોતે ડેન્ટિસ્ટ ડોક્ટર હોવાથી દાંત પર લગાવવા માટેની કેપ પર સોનાનો ગિલેટ કરવા માટે કેમિકલની જરૂરિયાત હોવાનું જણાવી પોટેશિયમ સાઈનાઈડ( પોટાશ કેમિકલ) મેળવ્યું હતું. કિન્નરીએ સૌથી પહેલા પોટેશિયમ સાઇનાઇડનો મકોડા પર પ્રયોગ કર્યો હતો અને એ મરી ગયો હતો ત્યાર બાદ તેણે સગા ભાઇ જિગરને એ પદાર્થ આપી હત્યા કરી હતી.

સૌથી પહેલા બહેને ભાઈનું માનસિક સંતુલન ગુમાવ્યું હતું. કિન્નરીએ જિગર પટેલને અલગ અલગ પ્રવાહીમાં ધતૂરાનું પાણી આપ્યું હતું. ધતૂરાના પાણીને કારણે જિગરનું માનસિક સંતુલન બગડતાં કિન્નરીએ તેની હત્યા કરી હતી. એટલેથી ન અટકતા કિન્નરીએ જિગર પટેલના મોતના પંદર દિવસ બાદ જ પોતાના ભાભી એટલે કે જિગર પટેલનાં પત્ની ભૂમિને પણ ધતૂરાનું પાણી આપી દીધું હતું, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યાં હતાં, જેનો લાભ લઈ કિન્નરીએ 14 મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈડ આપી દેતાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ મામલે પાટણની એડિશનલ કોર્ટે કિન્નરીને આજીવન કેદની સજા સંભળાવી છે. જે અનુસાર આરોપી જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે. કોર્ટના ચુકાદાને મૃતકનાં પરિવારજનોએ પણ યોગ્ય ઠેરવ્યો છે. જોકે મળતી માહિતી અનુસાર કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે.

Most Popular

To Top